મહારાષ્ટ્રમાં પવાર પરિવારનો ગઢ ગણાતા બારામતી માટે રાજકીય સંઘર્ષ તેજ થતો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને શિવસેના સરકારમાં સામેલ થયેલા નાયબ મુખ્યમંત્રી અજિત પવારે વિસ્તારના લોકોને ‘ભાવનાત્મક અપીલ’માં ન ફસાઈ જવાની અપીલ કરી છે. તેમણે એવું પણ વચન આપ્યું છે કે જો જનતા તેમના ઉમેદવારને મત આપશે તો કેન્દ્રની મદદથી વિકાસની ગતિ વધારવામાં આવશે. હાલમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અહીંથી સાંસદ છે.
શરદ પવારનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધતા નાયબ મુખ્યમંત્રી પવારે કહ્યું, ‘મને નથી ખબર કે કેટલાંક લોકો ક્યારે રોકશે. આ છેલ્લી ચૂંટણી હશે તેવી ભાવનાત્મક અપીલ થઈ શકે છે. ખબર નથી કે છેલ્લી ચૂંટણી કઈ યોજાશે. તેમણે જનતાને લાગણીઓના કારણે મતદાન ન કરવા અપીલ કરી છે. તેમણે એવું પણ વચન આપ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં મહાયુતિના ઉમેદવાર જાહેર કરશે.
પવારે પુણે જિલ્લાના બારામતીમાં એક જાહેર સભામાં કહ્યું, ‘તમે આટલા વર્ષો સુધી એક વરિષ્ઠનું સાંભળ્યું. હવે મારી વાત સાંભળો અને હું મેદાનમાં ઉતરનાર લોકસભાના ઉમેદવારને મત આપો. ત્યારે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહી શકીશ કે લોકોએ મારા ઉમેદવારને મત આપ્યો છે. જ્યારે તમે મુશ્કેલીમાં હતા ત્યારે તમને મદદ કરવા કોણ આવ્યું તે ભૂલશો નહીં.’
બારામતીના વિધાનસભ્ય અજિત પવારે પણ કહ્યું હતું કે ‘જો તમે સારું કામ કરવા માંગતા હોવ તો તમારે તેના માટે થોડી ટીકા સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ.’
તેમણે માહિતી આપી હતી કે ઈન્દાપુર, દાઉન્ડ, પુરંદર, ખડકવાસલા અને બારામતીમાં ઘણી વિકાસ યોજનાઓ ચાલી રહી છે. જેમાં રસ્તા, પાણી પુરવઠા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટ જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
અજિત પવાર ગયા વર્ષે જુલાઈમાં NCP તોડીને આઠ ધારાસભ્યો સાથે એકનાથ શિંદે સરકારમાં જોડાયા હતા. ત્યારથી અજિત પવારે સતત એમ કહીને તેમના બળવાને યોગ્ય ઠેરવ્યું છે કે વરિષ્ઠોએ આગામી પેઢીને માર્ગ આપવો જોઈતો હતો. અજિત પવારનો આ ઈશારો આડકતરી રીતે શરદ પવાર તરફ હતો.