ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર પાછળ મંદિર ટ્રસ્ટની ત્રણ હેક્ટર અને રાજ્ય સરકારની જમીન ખાલી કરવા માટે અતિક્રમણ વિરોધી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટની જમીન ખાલી કરાવવા માટે 21 જેટલા અનધિકૃત મકાનો અને 153 ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા હતા.
અતિક્રમણ વિરોધી ઝુંબેશ શરૂ
શનિવારે સવારે ઘરો અને ઝૂંપડાં તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન મામલતદાર અને 100 મહેસુલ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કામગીરીને સુચારૂ રીતે પાર પાડવા માટે આ વિસ્તારમાં ભારે પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા.
મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલી નોટિસ મુજબ જમીનને અતિક્રમણમાંથી મુક્ત કર્યા બાદ ફેન્સિંગ લગાવવામાં આવશે. સોમનાથ મંદિર અરબી સમુદ્રના કિનારે વેરાવળ શહેર નજીક પ્રભાસ પાટણ ખાતે આવેલું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી આ પહેલું મંદિર છે. તે એક મુખ્ય તીર્થ સ્થળ છે.
મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત
જિલ્લા કલેકટરે જણાવ્યું કે, અમે અનધિકૃત મકાનો તોડવાની કામગીરી શરૂ કરી છે. તેને ફેન્સીંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે. આ ઝુંબેશ પહેલા, અમે 25 જાન્યુઆરીએ અતિક્રમણ કરનારાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને સમગ્ર પ્રક્રિયા વિશે વિગતવાર વાત કરી હતી.
ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કામગીરી સરળતાથી ચાલે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઝુંબેશ સાંજ સુધીમાં પૂરી થવાની ધારણા છે.
એક અધિકારીએ જણાવ્યું કે આ જમીન સરકાર અને મંદિર ટ્રસ્ટની છે. બે SRP (સ્ટેટ રિઝર્વ પોલીસ) કંપની અને 500 પોલીસકર્મીઓ અહીં તૈનાત છે. વિસ્તારમાં પ્રવેશ અને બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓની ટીમો, રેપિડ એક્શન ફોર્સ (RAF) અને ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ને કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.