HDFC બેન્કના શેરમાં ઘટાડાની વચ્ચે એક સકારાત્મક સમાચાર આવ્યા છે. LIC ને HDFC બેંકમાં તેનો હિસ્સો વધારીને 9.99 ટકા કરવા RBI તરફથી મંજૂરી મળી છે. આ મંજૂરી એવા સમયે મળી છે જ્યારે એચડીએફસી બેંકમાં તાજેતરના સમયમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
એચડીએફસી બેંક દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આરબીઆઈ દ્વારા એલઆઈસીને એક વર્ષના સમયગાળામાં એટલે કે 24 જાન્યુઆરી, 2025 સુધીમાં બેંકમાં ઉપરોક્ત મુખ્ય શેરહોલ્ડિંગ હસ્તગત કરવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય, LIC એ સુનિશ્ચિત કરવું પડશે કે બેંકમાં કુલ હિસ્સો ચૂકવણીના 9.99% થી વધુ ન હોય. નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે LIC દ્વારા RBIમાં દાખલ કરવામાં આવેલી અરજી મંજૂર કરવામાં આવી છે. જો કે, આ મંજૂરી બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ને આધીન છે.
HDFC બેંકમાં મોટો ઘટાડો
છેલ્લા કેટલાક દિવસોમાં HDFC બેંકમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક મહિનામાં શેરમાં 14.37 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં સ્ટોક લગભગ 4.33 ટકા ઘટ્યો છે.
HDFC બેંકના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો
HDFC બેન્કનો નફો ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં 33.5 ટકા વધીને રૂ. 16,372 કરોડ થયો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં બેન્કની વ્યાજની આવકમાં વધારો જોવા મળ્યો છે અને વ્યાજની ચોખ્ખી આવક રૂ. 28,470 કરોડ રહી છે. આ સમયગાળા દરમિયાન બેંકની NPA 1.26 ટકા અને NNPA 0.31 ટકા રહી છે.