સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહિલા આરક્ષણ કાયદાને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. હકીકતમાં, એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી હતી કે મહિલાઓ માટે 33 ટકા ક્વોટા શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવામાં આવે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે એડવોકેટ યોગમાયા એમજી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, આ કેસમાં પહેલાથી જ દાખલ કરાયેલી કોંગ્રેસ નેતા જયા ઠાકુરની અરજીમાં દરમિયાનગીરી કરવાની પરવાનગી આપવામાં આવી હતી.
બેન્ચે કહ્યું, ‘જુઓ, અમે એક જ કેસમાં ઘણી અલગ અરજીઓ નથી ઈચ્છતા. જો તમે ઇચ્છો તો જયા ઠાકુરે કરેલી અરજીમાં હસ્તક્ષેપની અરજી દાખલ કરી શકો છો. તે જ સમયે, યોગમાયા વતી હાજર રહેલા વકીલે કોર્ટને વિનંતી કરી કે અરજદારને અરજી પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવે. બેન્ચે આ દલીલ સાથે સહમત થઈ તેને પાછી ખેંચવાની મંજૂરી આપી હતી.
ઠાકુરની અરજી 16 જાન્યુઆરીના રોજ લિસ્ટ થવાની શક્યતા છે.
વાસ્તવમાં, યોગમાયાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, આ વર્ષે લોકસભા ચૂંટણીમાં મહિલાઓ માટે 33 ટકા ક્વોટા સુનિશ્ચિત કરવા માટે મહિલા અનામત અધિનિયમના તાત્કાલિક અને સમયબદ્ધ અમલીકરણની જરૂર છે.
તેમણે કહ્યું હતું કે, ‘મહિલા આરક્ષણ કાયદો, 2023 તેના અમલીકરણમાં અનિશ્ચિતતા સાથે પસાર કરવામાં આવ્યો હતો. અરજદાર મહિલાઓ માટે યોગ્ય પ્રતિનિધિત્વનો બંધારણીય આદેશ ઝડપથી પરિપૂર્ણ થાય તેની ખાતરી કરવા માટે આ કોર્ટના હસ્તક્ષેપની માંગ કરે છે.’
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કાયદાના અમલમાં કોઈપણ વિલંબ લોકશાહીના સિદ્ધાંતો સાથે ચેડા કરશે.
એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની જોગવાઈ
નારી શક્તિ વંદન અધિનિયમ તરીકે ઓળખાતો, આ કાયદો મહિલાઓ માટે લોકસભા અને તમામ રાજ્ય વિધાનસભાઓમાં એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરે છે. જો કે, જોગવાઈ એવી છે કે જ્યાં સુધી વસ્તી ગણતરી અને ત્યારબાદ સીમાંકનનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી મહિલાઓ માટે 33 ટકા ક્વોટાનો અમલ કરવામાં આવશે નહીં.