ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 12 જાન્યુઆરીથી પાંચ મેચની T20 સિરીઝ રમાશે. સિરીઝની શરૂઆત પહેલા ન્યૂઝીલેન્ડની ટીમને તેના મહત્વના સ્પિન બોલર મિચેલ સેન્ટનરના રૂપમાં મોટો ફટકો પડ્યો છે, જે કોરોનાથી સંક્રમિત થવાને કારણે પ્રથમ મેચમાં રમી શકશે નહીં. બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ ઓકલેન્ડના મેદાન પર રમાશે. ટી-20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને કિવી ટીમ માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેમાં કેન વિલિયમસન પણ લાંબા સમય બાદ રમતા જોવા મળશે.
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે માહિતી આપી
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે મિશેલ સેન્ટનર પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાંથી બહાર હોવાની માહિતી આપી હતી. જેમાં તેણે લખ્યું છે કે સેન્ટનર પાકિસ્તાન સામેની પ્રથમ T20 મેચમાં ભાગ લેવા માટે ઈડન પાર્ક નહીં જાય. તે કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. મેડિકલ ટીમ આગામી સમયમાં તેના પર ચાંપતી નજર રાખશે.
સેન્ટનર અહીંથી હેમિલ્ટનમાં તેના ઘરે એકલા જશે. સેન્ટનર કિવી ટીમના મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં મહત્વપૂર્ણ ખેલાડી તરીકે રમે છે, જેમાં તેણે અત્યાર સુધી 93 મેચમાં 103 વિકેટ લીધી છે અને બેટથી 610 રન પણ બનાવ્યા છે.
પાકિસ્તાને મેચ પહેલા તેના પ્લેઈંગ 11ની જાહેરાત કરી હતી
શાહીન આફ્રિદીની કપ્તાનીમાં પહેલીવાર T20 ઈન્ટરનેશનલ મેચ રમી રહેલી પાકિસ્તાની ટીમે મેચ શરૂ થતા પહેલા જ પોતાની પ્લેઈંગ 11ની જાહેરાત કરી દીધી છે. જેમાં સૈમ અયુબ મોહમ્મદ રિઝવાન સાથે ઇનિંગની શરૂઆત કરશે, જ્યારે પૂર્વ કેપ્ટન બાબર આઝમ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવશે. આ ઉપરાંત ટીમમાં બે નવા ખેલાડીઓને જગ્યા મળી છે, જેમાં સ્પિનર ઉસામા મીર અને ફાસ્ટ બોલર અબ્બાસ આફ્રિદીને ડેબ્યૂ કરવાની તક મળી છે.