રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે કહ્યું હતું કે દરેક દેશની પોતાની આગવી જીવનશૈલી હોય છે, જે તેની સંસ્કૃતિમાંથી આવે છે. તેમણે કહ્યું હતું કે વિશ્વને શાંતિ અને સહઅસ્તિત્વનો સંદેશ આપવા માટે દેશે મજબૂત ઊભા રહેવું પડશે. આ કાર્યને પૂર્ણ કરવા માટે આપણા સમાજના આધ્યાત્મિક આગેવાનોએ આગળ આવવું પડશે.
મોહન ભાગવતે કંઈ કહ્યું?
આસામના માજુલીમાં ‘ઉત્તર-પૂર્વ સંત મણિકંચન કોન્ફરન્સ’માં બોલતા, ભાગવતે કહ્યું કે ભારતની સંસ્કૃતિ ‘એકમ સત વિપ્ર બહુદા વદન્તિ’ (સત્ય એક છે, પરંતુ તે બૌદ્ધિકો દ્વારા જુદી જુદી રીતે પ્રગટ થાય છે) દ્વારા પ્રતિબિંબિત થાય છે. આ સર્વસમાવેશક પરંપરા માત્ર ભારતમાં જ અસ્તિત્વ ધરાવે છે. એમણે કહ્યું,
આપણા બધાના પૂર્વજો સમાન છે. આપણે આપણી વિવિધતાને અનુસરીને આપણી એકતા જાળવી રાખવાની છે. સમાજને આત્મનિર્ભર બનાવવા માટે લોકોએ સખત મહેનત કરવી પડશે. ભારતના શાશ્વત આધ્યાત્મિક મૂલ્યો અને રિવાજોને જાળવવા માટે રાષ્ટ્રીય જાગૃતિ અત્યંત જરૂરી છે.
પૂર્વોત્તર સંત મણિકંચન પરિષદ
ભાગવતે તમામ આધ્યાત્મિક નેતાઓને આ સંદેશ અને શ્રેષ્ઠ આધ્યાત્મિક મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવા વિનંતી કરી હતી. ભાગવતે કહ્યું કે જે રીતે આસામના મહાન સંત શ્રીમંત શંકરદેવે સામાજિક સુધારણા લાવ્યાં, તેવી જ રીતે આપણે સૌએ આપણા સમાજમાં રહેલી વિવિધ સામાજિક બદીઓને દૂર કરવી પડશે.
આ પરિષદમાં ઉત્તર-પૂર્વના રાજ્યોમાંથી 37 વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને સંપ્રદાયો સાથે જોડાયેલા કુલ 104 આધ્યાત્મિક નેતાઓએ ભાગ લીધો હતો. વિવિધ આધ્યાત્મિક પરંપરાઓ અને સમુદાયો વચ્ચે સમન્વય અને સદ્ભાવના માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.