તમિલનાડુના એન્નોરમાં ગેસ લીક થવાના સમાચાર સામે આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે સબ-સી પાઇપમાં એમોનિયા ગેસનું લીકેજ જોવા મળ્યું છે. આ અંગેની માહિતી મળતા જ તેને અટકાવી દેવામાં આવ્યો હતો.
ગેસ લીક થવાને કારણે નજીકમાં તીવ્ર ગંધ અનુભવાઈ હતી. આના કારણે પાંચ લોકો અસ્વસ્થતા અનુભવવા લાગ્યા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
આવડી જોઈન્ટ કમિશનર વિજયકુમારે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. હાલ સ્થિતિ સ્થિર છે. એન્નોરમાં હવે કોઈ ગેસ લીક થતો નથી. તેમણે કહ્યું કે લોકો ઘરે પાછા આવી ગયા છે. મેડિકલ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર છે.
ભોપાલ દુર્ઘટનાની ડરામણી યાદો
બીજી તરફ એમોનિયા ગેસ લીક થયાના સમાચાર મળતાની સાથે જ ભોપાલ દુર્ઘટનાની ડરામણી યાદો ફરી એકવાર તાજી થઈ ગઈ. નોંધનીય છે કે ભારતના મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં 3 ડિસેમ્બર, 1984ના રોજ એક ભયાનક ઔદ્યોગિક અકસ્માત થયો હતો. આને ભોપાલ ગેસ કાંડ અથવા ભોપાલ ગેસ દુર્ઘટના તરીકે ઓળખવામાં આવે છે. ભોપાલ સ્થિત યુનિયન કાર્બાઈડ નામની કંપનીની ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થયો હતો, જેના કારણે 15 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.