સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોના સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ મંગળવારે ભાજપના સંસદીય દળની બેઠક મળી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સાંસદોને પણ સંબોધિત કર્યા હતા. સંસદની સુરક્ષામાં ભંગની ઘટના પર વિપક્ષી દળોને ઘેરતા તેમણે કહ્યું, “કેટલાક પક્ષો સંસદમાં ઘૂસણખોરીનું સમર્થન કરી રહ્યા હતા. આ ભંગ જેટલું જ ખતરનાક છે.” પીએમએ કહ્યું કે લોકશાહીમાં વિશ્વાસ રાખનારા તમામ લોકોએ આ સુરક્ષા ભંગની સામૂહિક રીતે ટીકા કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, જેપી નડ્ડા, અનુરાગ ઠાકુર અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ-સાંસદોએ ભાગ લીધો હતો.
અહેવાલ છે કે આ બેઠકમાં વડાપ્રધાને ભાજપની ભાવિ રણનીતિ અને સંસદમાં રજૂ કરાયેલા બિલો અંગે ચર્ચા કરી હતી. આ સિવાય સાંસદોને સસ્પેન્ડ કરવા અને વિપક્ષની રણનીતિનો સામનો કરવાની ચર્ચા પણ સામે આવી છે.