ચક્રવાત મિચોંગને કારણે તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. આ ચક્રવાતી તોફાનના કારણે ચેન્નઈના અરુમ્બક્કમ વિસ્તારમાં હજુ પણ રસ્તાઓ પર પાણી ભરાયેલો જોવા મળી રહ્યો છે. ઘરોથી લઈને દુકાનો સુધી પાણી ભરાઈ ગયા છે.
ચક્રવાત મિચોંગના કારણે રાજ્યમાં થયેલા નુકસાન બાદ મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કેન્દ્ર સરકાર પાસેથી મદદની અપીલ કરી છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ચક્રવાત બાદ થયેલા નુકસાન માટે 5060 કરોડ રૂપિયાના વચગાળાના રાહત ફંડની માગણી કરી છે. આ સાથે તેમણે ચક્રવાતને કારણે રાજ્યમાં થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે કેન્દ્ર પાસેથી એક ટીમ મોકલવાની માંગ કરી છે. ડીએમકે સાંસદ ટીઆર બાલુએ પોતે દિલ્હીમાં પીએમ મોદીને આ પત્ર આપ્યો છે.
સીએમ સ્ટાલિને ચેન્નાઈમાં એક રાહત શિબિરની મુલાકાત લીધી હતી. તેઓ આ કેમ્પમાં લોકોને જરૂરી વસ્તુઓનું વિતરણ કરતા જોવા મળ્યા હતા. ચેન્નાઈમાં પાણી ભરાઈ જવાને કારણે હોટલના સ્ટાફે વિદેશી પ્રવાસીને તેના વાહન સુધી પહોંચવામાં મદદ કરી હતી.
તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં ઉદભવેલું ગંભીર ચક્રવાતી તોફાન મિચોંગ મંગળવારે બપોરે 100 કિમીની ઝડપે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને કાવલી વચ્ચે બાપટલા નજીક દરિયાકાંઠે અથડાયું હતું. તેની અસરને કારણે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો સિવાય ચેન્નાઈમાં પણ ભારે વરસાદ થયો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તમિલનાડુમાં પણ 20 થી વધુ ફ્લાઈટ્સ અને લગભગ 100 ટ્રેનો રદ કરવામાં આવી છે. જોકે, ચેન્નાઈ એરપોર્ટ ખોલી દેવામાં આવ્યું છે. વરસાદના કારણે અહીં 21 વિમાનો અને 1500થી વધુ મુસાફરો ફસાયા હતા.