અમેરિકાની ધરતી પર શીખ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા સાથે જોડાયેલા આરોપોની તપાસ માટે ભારતે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે.
બ્રિટિશ અખબાર ફાયનાન્સિયલ ટાઈમ્સે અનામી સ્ત્રોતોને ટાંકીને ગયા અઠવાડિયે અહેવાલ આપ્યો હતો કે યુએસ અધિકારીઓએ તેની ધરતી પર પન્નુની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાએ ભારત પર આ ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવતા ચેતવણી પણ આપી છે.
ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બુધવારે જણાવ્યું હતું કે ભારતે આ કેસના તમામ સંબંધિત પાસાઓની તપાસ કરવા માટે 18 નવેમ્બરે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે.
પન્નુ શીખ ઉગ્રવાદી અને અમેરિકન-કેનેડિયન નાગરિક છે. પન્નુ ભારતમાં વિવિધ આતંકવાદી ગતિવિધિઓના આરોપમાં વોન્ટેડ છે. બાગચીએ કહ્યું,
અમે પહેલાથી જ કહ્યું છે કે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ પર યુએસ સાથે ચર્ચા દરમિયાન, યુએસ પક્ષે સંગઠિત ગુનેગારો, આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને અન્યો વચ્ચેના જોડાણથી સંબંધિત કેટલાક ઇનપુટ્સ શેર કર્યા હતા.
‘ભારત આવા ઇનપુટ્સને ગંભીરતાથી લે છે’
તેમણે કહ્યું કે અમે એ પણ સંકેત આપ્યો છે કે ભારત આવા ઇનપુટ્સને ગંભીરતાથી લે છે, કારણ કે તે આપણા રાષ્ટ્રીય સુરક્ષા હિતોને પણ અસર કરે છે અને સંબંધિત વિભાગો પહેલાથી જ આ મુદ્દાની તપાસ કરી રહ્યા છે.
એક દિવસ પહેલા કેનેડામાં ભારતીય હાઈ કમિશનર સંજય વર્માએ કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાની તપાસમાં ભારત સરકાર અમેરિકાને સહયોગ કરી રહી છે. એ પણ કહ્યું કે અમેરિકાએ ભારત સાથે ઈનપુટ શેર કર્યા છે પરંતુ સીધો આક્ષેપ કર્યો નથી.