રવિવારે ગાંધીનગર, અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા. આ સમયગાળા દરમિયાન વીજળી પડવાથી ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા હતા. એટલું જ નહીં પાકને પણ અસર થઈ છે. દાહોદ જિલ્લામાં ત્રણ અને ભરૂચ જિલ્લામાં વીજળી પડવાથી બેના મોત થયા છે.
આ ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર, મહેસાણા, બોટાદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, સુરત, તાપી અને અમદાવાદ જિલ્લામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. રવિવારે રાજ્યમાં હવામાનમાં અચાનક ધરખમ પલટો આવ્યો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 27 નવેમ્બરે પણ વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે.
વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઓછી
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતના 251 તાલુકાઓમાંથી 220માં રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યાની વચ્ચે 50 મિમી જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે સામાન્ય જીવન ખોરવાઈ ગયું હતું અને પાકને નુકસાન થયું હતું. વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઓછી હતી. જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં સૌથી વધુ 50 મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં જૂનાગઢના વંથલીમાં 43 મીમી, સુરેન્દ્રનગરના દસાડામાં 36 મીમી વરસાદ નોંધાયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી જિલ્લામાં કારખાનાઓ બંધ થવાને કારણે સિરામિક ઉદ્યોગને પણ અસર થઈ છે.
તમિલનાડુના ભાગોમાં વરસાદ અને તોફાનની ચેતવણી
બીજી તરફ તમિલનાડુના કાંચીપુરમ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ રવિવારે ભારે વરસાદ થયો હતો. તમિલનાડુના કેટલાક ભાગોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ અને તોફાનની ચેતવણીઓ પહેલાથી જ જારી કરવામાં આવી હતી. IMD એ પણ આગામી થોડા કલાકો દરમિયાન મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાલઘર, ધુલે અને નંદુરબાર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.