કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે ભારતના 54મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન કરતી વખતે દેશમાં વિદેશી ફિલ્મોના નિર્માણ માટે પ્રોત્સાહનો વધારવા અને દેશમાં થતા ખર્ચની ભરપાઈની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી.
આ પગલાનો ઉદ્દેશ્ય મધ્યમ અને મોટા બજેટના આંતરરાષ્ટ્રીય ફિલ્મ પ્રોજેક્ટને ભારતમાં આકર્ષવાનો છે. ઠાકુરે કહ્યું કે, ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કેન્દ્ર સરકારે ભારતમાં વિદેશી ફિલ્મોના નિર્માણ માટે પ્રોત્સાહક યોજના શરૂ કરી હતી. તેણે રૂ. 2.5 કરોડની મર્યાદા સાથે દેશમાં થયેલા ખર્ચના 30 ટકા સુધીની વળતરની ઓફર કરી હતી. મહત્તમ પ્રોત્સાહન હવે રૂ. 30 કરોડની વધેલી મર્યાદા સાથે થયેલા ખર્ચના 40 ટકા સુધી હશે.
ભારતમાં મીડિયા-મનોરંજન ઉદ્યોગ વાર્ષિક 20% વધી રહ્યો છે
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ફિલ્મ માર્કેટના ઉદ્ઘાટન સમયે હું કહી શકું છું કે ભારતમાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગનો વિકાસ વાર્ષિક 20 ટકા છે. આજે આપણે વિશ્વના પાંચ સૌથી મોટા બજારોમાંના એક છીએ. ભારતનો ફિલ્મ ઉદ્યોગ માત્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોટા બજારોમાંનું એક છે.
9 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં કુલ 270 ફિલ્મો બતાવવામાં આવશે. બ્રિટિશ ફિલ્મ ‘કેચિંગ ડસ્ટ’ આ વર્ષના ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ હશે અને અમેરિકાની ‘ફેધર વેઈટ’ ક્લોઝિંગ ફિલ્મ હશે.
OTT માટે રાજકુમાર જ્યુરી ચીફ
ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાણી ઉત્સવમાં શ્રેષ્ઠ વેબ સિરીઝ (OTT) એવોર્ડ માટે પાંચ સભ્યોની જ્યુરીના વડા તરીકે સેવા આપશે. દિવ્યા દત્તા, પ્રોસેનજીત ચેટર્જી અને ફિલ્મ નિર્માતાઓ ક્રિષ્ના ડીકે અને ઉત્પલ બોરપુજારી ઉદ્ઘાટન શ્રેણી માટે જ્યુરી પેનલનો ભાગ છે. 15 OTT પ્લેટફોર્મ્સમાંથી 10 ભાષાઓમાં કુલ 32 એન્ટ્રીઓને શ્રેષ્ઠ વેબ સિરીઝ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે.
માઈકલ ડગ્લાસ માટે સત્યજીત રે પુરસ્કાર
20 થી 28 નવેમ્બર સુધી ચાલનારા આ કાર્યક્રમમાં પ્રખ્યાત હોલીવુડ અભિનેતા અને નિર્માતા માઈકલ ડગ્લાસને પ્રતિષ્ઠિત સત્યજીત રે એક્સેલન્સ ઇન ફિલ્મ લાઈફટાઈમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તે 28 નવેમ્બરે IFFI માસ્ટર ક્લાસને પણ સંબોધિત કરશે.