રાજ્યમાં વધુ બે વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં રાજકોટ અને વડોદરામાં બે લોકોને હાર્ટ એટેક આવ્યો છે. તેમાં રાજકોટના રસૂલપરામાં 50 વર્ષીય આધેડનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તેમજ વડોદરામાં 32 વર્ષીય નયનકુમાર પટેલનું હાર્ટ એટેકથી મોત થયુ છે.
રસૂલપરામાં 50 વર્ષના આઘેડનું હ્રદય બંધ પડી જતા મોત
બંનેના મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. રાજકોટના રસૂલપરામાં 50 વર્ષના આઘેડનું હ્રદય બંધ પડી જતા મોત થયું છે. તથા રમેશચંદ્ર પાલ ચાની હોટેલમાં ચા પીતા પીતા એકા એક ઢળી પડ્યા હતા. ત્યારે સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતા મોત થયું છે. ત્યારે 24 કલાકમાં બે વ્યક્તિઓના રાજકોટ પંથકમાં હ્રદય બંધ પડી જતા મોત થયા છે.
વડોદરા શહેરમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત
વડોદરા શહેરમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. પંદર દિવસમાં હાર્ટ એટેકથી મૃત્યુના 12 કેસ નોંધાયા છે. તેમાં 32 વર્ષે નયનકુમાર પટેલનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. સામી દિવાળીએ યુવાનનું મોત થતા પરિવાર શોકાતૂર બન્યો છે. બાજવા રોડ પર ગીરીરાજ નગરમાં નયનકુમાર પટેલ રહેતા હતા. દાંડિયા બજાર પાનના ગલ્લા પર મિત્રને મળવા ગયેલ નયનકુમારને વોમીટીંગ અને ગભરામણ થઈ હતી.
હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ
મિત્રએ તાત્કાલિક સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખસેડતા ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. તેથી રાવપુરા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. તેમજ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.