ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાંથી બે અલગ-અલગ જગ્યાએથી આશરે 40 લાખ રૂપિયાની કિંમતની ગર્ભપાતમાં વપરાતી નકલી એન્ટિબાયોટિક્સ અને દવાઓ જપ્ત કરવામાં આવી છે. આ સાથે બે લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.
મેડિકલ પર દરોડો
એફડીસીએના કમિશનર એચજી કોસિયાએ જણાવ્યું કે એક ગુપ્ત માહિતી મળી હતી. તેના આધારે ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ના અધિકારીઓએ ગુરુવારે હિંમતનગરના ગિરધરનગર વિસ્તારમાં એક મેડિકલ પર દરોડો પાડીને નકલી એન્ટિબાયોટિકનો મોટો જથ્થો ઝડપ્યો હતો.
કોસિયાએ વધુમાં જણાવ્યું હતું કે જપ્ત કરાયેલી નકલી દવાઓ સેફિક્સાઈમ, એઝિથ્રોમાસીન અને બેસિલસ જેવી દવાઓ હોવાનો દાવો કરે છે, જેની કિંમત 25 લાખ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે, આ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ગંભીર રોગોની સારવાર માટે કરવામાં આવે છે.
દવાઓ પર ઉત્પાદકનું નામ હિમાચલ પ્રદેશના સિરમૌરનું મેગ લાઇફ સાયન્સ હોવાનું જણાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ જ્યારે હિમાચલ પ્રદેશના ડ્રગ કંટ્રોલરનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે આવી કોઈ કંપની અસ્તિત્વમાં નથી. તે જ સમયે, દુકાન માલિક હર્ષ ઠક્કર આ દવાઓનું કોઈ વેચાણ અથવા ખરીદી બિલ રજૂ કરી શક્યા ન હતા, જેથી આ દવાઓ નકલી હોવાનું સ્પષ્ટ થયું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝડપાયેલી દવાઓના ચાર નમૂના વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. સાથે જ ઠક્કરની પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી નકલી દવા ખરેખર ક્યાંથી આવી તે બહાર આવી શકે.
પરવાનગી વિના સંગ્રહ
ત્યારબાદ દિવસ દરમિયાન એફડીસીએની ટીમે હિંમતનગર ટાઉન હોલ પાસેના એક મકાનમાં દરોડો પાડી અન્ય દવાઓ સાથે રૂ.12.74 લાખની કિંમતની ગર્ભપાતની દવાઓ જપ્ત કરી હતી. તપાસ પર, અધિકારીઓને જાણવા મળ્યું કે સ્વામિનારાયણ મેડિકલ એજન્સીના માલિક ધવલ પટેલે સત્તાવાળાઓ પાસેથી કોઈપણ પરવાનગી લીધા વિના આ દવાઓ ગેરકાયદેસર વેચાણ માટે તેમના નિવાસસ્થાનમાં સંગ્રહિત કરી હતી.
FDCAએ કહ્યું કે સેમ્પલ રિપોર્ટ્સ મળ્યા બાદ તે ઠક્કર અને પટેલ વિરુદ્ધ કાયદા મુજબ કોર્ટ કાર્યવાહી શરૂ કરશે. નોંધનીય છે કે આના થોડા દિવસો પહેલા અધિકારીઓએ ગુજરાતના વિવિધ શહેરોમાં દરોડા પાડીને રૂ. 17.5 લાખની કિંમતની નકલી એન્ટિબાયોટિક જપ્ત કરી હતી. તેમજ ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી.