કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સોમવારે પુસા કેમ્પસમાં આયોજિત રાષ્ટ્રીય સેમિનારમાં જણાવ્યું હતું કે નવી રચાયેલી નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિ. (NCEL) સહકારી મંડળીઓને એવા પાકો ઉગાડવા માટે પ્રોત્સાહિત કરશે જેની વૈશ્વિક બજારમાં ખૂબ માંગ છે. આનાથી ઓર્ગેનિક ઉત્પાદનોની નિકાસમાં પણ મદદ મળશે. શાહે કહ્યું, મને વિશ્વાસ છે કે IFFCO અને અમૂલની જેમ NCEL પણ એક સફળ એન્ટરપ્રાઈઝ તરીકે ઉભરી આવશે. તેમણે જણાવ્યું હતું કે સહકારી નિકાસ સંસ્થામાં પહેલાથી જ 1,500 સભ્યો છે અને તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તાલુકા સ્તરે ઓછામાં ઓછી એક સહકારી સંસ્થા તેની સાથે સંકળાયેલી હોય.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કાર્યક્રમમાં કહ્યું કે, NCEL નિકાસને વેગ આપશે. આ દેશના વિકાસ અને ગ્રામીણ પરિવર્તનમાં ફાળો આપશે. વૈશ્વિક સ્તરે ભારત પર ફોકસ વધવાથી સહકારી ક્ષેત્ર નિકાસની સંભાવનાનો ઉપયોગ કરી શકે છે. મંત્રીએ કહ્યું કે સહકારી મંડળીઓએ નિકાસ બજાર માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદનોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી બીએલ વર્મા, સહકાર સચિવ જ્ઞાનેશ કુમાર અને NCEL ચીફ પંકજ કુમાર બંસલ પણ હાજર હતા.
2,000 કરોડની શેર મૂડી
NCELની રચના આ વર્ષે 25 જાન્યુઆરીના રોજ મલ્ટિ-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ હેઠળ કરવામાં આવી હતી. તેની અધિકૃત શેર મૂડી રૂ. 2,000 કરોડ છે. નિકાસમાં રસ ધરાવતી સહકારી મંડળીઓ તેના સભ્ય બનવા માટે પાત્ર છે. તેનો ઉદ્દેશ્ય વૈશ્વિક બજારમાં પ્રવેશ મેળવીને ભારતીય સહકારી ક્ષેત્રમાં સ્થાનિક વપરાશ પછી બચેલા ઉત્પાદનોની નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. દેશમાં લગભગ 8 લાખ સહકારી મંડળીઓ છે જેમાં 29 કરોડથી વધુ સભ્યો છે.