અકાસા એરલાઈને નિવેદન જારી કરીને કહ્યું છે કે પુણેથી દિલ્હી જતી તેની ફ્લાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે. કંપનીએ કહ્યું કે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફ્લાઈટે ગઈકાલે રાત્રે પુણેથી ઉડાન ભરી હતી, ત્યારબાદ સુરક્ષા એલર્ટ મળ્યા બાદ ફ્લાઈટે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
શું હતી સુરક્ષા ચેતવણી?
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફ્લાઈટમાં હાજર એક પેસેન્જરે દાવો કર્યો હતો કે તેની બેગમાં બોમ્બ છે. પેસેન્જરે તેની પાસે બોમ્બ હોવાની માહિતી આપી ત્યાં સુધીમાં પ્લેન ટેક ઓફ કરી ચૂક્યું હતું, તેથી મુંબઈમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઘટના શનિવારે બની હતી, જ્યારે અકાસા એરલાઈન્સની QP 1148 ફ્લાઈટ પૂણેથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. ફ્લાઇટમાં 185 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર સવાર હતા. મુંબઈ પહોંચતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી અને પેસેન્જરની બેગની તપાસ કરવામાં આવી હતી. જો કે તપાસમાં કંઈ મળ્યું ન હતું.