ભારતીય રિઝર્વ બેંક દ્વારા આ વર્ષે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ બદલવાની સમયમર્યાદા પણ નક્કી કરી હતી. પહેલા લોકો બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલી શકતા હતા, પરંતુ હવે લોકો માત્ર RBI ઓફિસમાં જ 2000 રૂપિયાની નોટ બદલી શકશે. જોકે હવે આરબીઆઈ ઓફિસની બહાર લોકોની કતારો જોવા મળી રહી છે.
2000 રૂપિયાની નોટ
કોમર્શિયલ બેંકોએ રૂ. 2,000ની નોટો સ્વીકારવાનું બંધ કરી દીધા બાદ, લોકો હવે રૂ. 2,000ની નોટ બદલવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની 19 ઓફિસોમાં કતારોમાં ઉભા રહેવા લાગ્યા છે. આરબીઆઈએ આ વર્ષે 19 મેના રોજ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ નોટ 2016માં નોટબંધી બાદ રજૂ કરવામાં આવી હતી. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી હટાવવાની જાહેરાત કરી હતી.
બેંકમાં નોટો બદલી શકાશે નહીં
તેની તાજેતરની જાહેરાતમાં, આરબીઆઈએ જાહેર જનતા અને સંસ્થાઓને 30 સપ્ટેમ્બર સુધીમાં બેંક શાખાઓમાં રૂ. 2,000ની નોટો જમા કરવા અથવા બદલવા માટે કહ્યું હતું. બાદમાં આ તારીખ લંબાવીને 7 ઓક્ટોબર કરવામાં આવી હતી. આ પછી બેંક શાખાઓમાં આ નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી. હવે લોકો માત્ર RBI ઓફિસમાં જ 2000 રૂપિયાની નોટ બદલી શકશે.
કરોડોની નોટો હજુ પણ ચલણમાં છે
ગયા શુક્રવારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રૂ. 2,000ની કુલ રૂ. 3.43 લાખ કરોડની નોટો પરત આવી છે અને આવી લગભગ રૂ. 12,000 કરોડની નોટો હજુ પણ ચલણમાં છે. 2,000 રૂપિયાની નોટો બદલવા માટે દિલ્હી સહિત આરબીઆઈની વિવિધ ઓફિસોમાં લોકો કતારોમાં ઉભા જોવા મળ્યા હતા. વ્યક્તિઓ અથવા સંસ્થાઓ RBIની 19 ઓફિસોમાં એક સમયે 20,000 રૂપિયાની મર્યાદા સુધી રૂ. 2,000ની નોટ બદલી શકે છે.