આજકાલ કામના વધતા દબાણ અને આદતોમાં બદલાવના કારણે લોકોની જીવનશૈલીમાં ઝડપથી બદલાવ આવી રહ્યા છે. આજકાલ ઘણા લોકોને મોડી રાત સુધી જાગવાની આદત પડી ગઈ છે. ઓફિસના કામ, અભ્યાસ ઉપરાંત સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે ઘણા લોકો રાત સુધી જાગવા લાગ્યા છે. મોડી રાત સુધી જાગવું એ આજકાલ આપણી જીવનશૈલીનો એક ભાગ બની ગયું છે. પરંતુ કહેવાય છે કે આપણી આદતો અને બગડતી જીવનશૈલી અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે.
મોડી રાત સુધી જાગવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે
મોડી રાત સુધી જાણવું આ આદતોમાંથી એક છે, જે તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. જો તમે પણ લાંબુ આયુષ્ય ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, તાજેતરમાં જ જાહેર કરાયેલા એક અભ્યાસમાં, મોડી રાત સુધી જાગવા વિશે એક ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોડી રાત સુધી જાગવાની તમારી આદત તમને મૃત્યુની નજીક લઈ જઈ શકે છે.
તાજેતરના અભ્યાસમાં બહાર આવ્યું છે
વાસ્તવમાં મોડી રાત સુધી જાગતા રહેવાથી અનેક ગંભીર અને જીવલેણ બીમારીઓનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. અધ્યયન અનુસાર, આવા લોકો, જેમને રાત્રે જાગવાની આદત હોય છે, તેમની નાની ઉંમરે મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. વાસ્તવમાં, રાત્રે જાગતા લોકોમાં ધૂમ્રપાન અને આલ્કોહોલની આદત ઘણી વધારે છે, જે શરીર અને સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.
23,000 લોકો પર સંશોધન કરવામાં આવ્યું
ફિનલેન્ડમાં ફિનિશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓક્યુપેશનલ હેલ્થમાં કરવામાં આવેલ આ અભ્યાસ ‘ક્રોનોબાયોલોજી ઇન્ટરનેશનલ’માં પ્રકાશિત થયો છે. આ રિસર્ચમાં એ વાત સામે આવી છે કે મોડી રાત સુધી જાગવાથી શરીર અનેક રોગોનો શિકાર બની શકે છે, જેના કારણે નાની ઉંમરમાં મૃત્યુનું જોખમ વધી જાય છે. 1980 થી 2022 સુધી ચાલેલા આ અભ્યાસમાં લગભગ 23,000 લોકોને સામેલ કરવામાં આવ્યા છે.
આ લોકો માટે ઓછું જોખમ
અભ્યાસ દરમિયાન, સામેલ 8,728 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે આ મૃત્યુના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું તો ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી. રિસર્ચમાં જાણવા મળ્યું કે જે લોકો રાત્રે જાગે છે તેમના મૃત્યુની શક્યતા સવારે વહેલા જાગનારા લોકો કરતા 9 ટકા વધુ હોય છે. જો કે, અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે જે લોકો મોડી રાત સુધી જાગતા હતા અને કોઈ દવાઓ લેતા ન હતા તેઓને વહેલા મૃત્યુનું જોખમ નથી.
જેમને વધુ જોખમ છે
પરંતુ તેનાથી વિપરિત, મોડી રાત સુધી જાગવાથી અને નશો લેવાથી નાની ઉંમરે મૃત્યુનું જોખમ વધી જાય છે. અભ્યાસના લેખક ક્રિસ્ટર હબ્લિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાત્રે જાગનાર વ્યક્તિમાં મૃત્યુનું જોખમ ત્યારે જ વધી જાય છે જ્યારે તે તમાકુ અને આલ્કોહોલનું વધુ સેવન કરે છે.