કાર્ડિયાક અરેસ્ટને કારણે એક મહિલાનું મોત થયું હતું. જે બાદ ઘરમાં તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી. મહિલાના મોતથી પરિવારજનોમાં શોક છવાયો હતો. પછી તેઓએ શબપેટીની અંદરથી ધક્કો મારવાનો અવાજ સાંભળ્યો. પરિવારના સભ્યોએ જ્યારે શબપેટી ખોલીને જોયું તો તેઓ ચોંકી ગયા હતા. કારણ કે, મૃત મહિલા જીવિત થઈને ફરી ઉઠી હતી. આ ચોંકાવનારી ઘટના ઈક્વાડોરના બાબાહોયોની છે.
નાયપોસ્ટના અહેવાલ મુજબ, ગયા શુક્રવારે બાબાહોયોમાં 76 વર્ષીય બેલા મોન્ટોયાની શોક સભા યોજાઈ હતી. પરિવારના સભ્યોની આંખો ભીની થઈ ગઈ. તેઓ અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ પછી કંઈક એવું બન્યું, જેને જોઈને લોકો હવે તેને ભગવાનનો ચમત્કાર કહી રહ્યા છે. હકીકતમાં, જે મહિલાને દફનાવવામાં આવી રહી હતી, તે અચાનક જીવતી થઈ અને શબપેટીમાંથી ઊભી થઈ ગઈ. આ જોઈને લોકો ચોંકી ગયા હતા, કારણ કે ડોક્ટરોએ જ તેને મૃત જાહેર કરી દીધો હતો.
જામ પ્રેસના જણાવ્યા અનુસાર, મોન્ટોયાના પુત્ર, ગિલ્બર્ટ બાલ્બરોને સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે શોક સભા દરમિયાન તેની માતાનો ડાબો હાથ શબપેટી સાથે અથડાતો હતો. જેના કારણે શબપેટીમાંથી અવાજ આવવા લાગ્યો. ગિલ્બર્ટ વિચારમાં પડી ગયો. આ પછી, જ્યારે તેણે શબપેટી ખોલી તો તેને તેની માતા જીવતી મળી. મહિલા તેને કહેતી હતી કે તે જીવિત છે.
પુત્રનો દાવો છે કે મહિલાને ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. તેમને યોગ્ય મૃત્યુ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું, જેમાં મહિલાના મૃત્યુનું કારણ કાર્ડિયોરેસ્પિરેટરી અરેસ્ટ હોવાનું જણાવવામાં આવ્યું હતું. ગિલ્બર્ટે કહ્યું કે તેની માતાના મૃત્યુના ચાર કલાક બાદ તેણે શોકસભા યોજી હતી, ત્યારે જ આ ચમત્કાર થયો હતો.
આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ ઈક્વાડોરના સ્વાસ્થ્ય મંત્રાલયે મહિલાને આખરે મૃત જાહેર કેવી રીતે કરવામાં આવી તેની તપાસ કરવા માટે એક ટીમની નિમણૂક કરી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ વ્યક્તિ પોતાના અંતિમ સંસ્કાર દરમિયાન જીવતો થયો હોય. ગયા વર્ષે, એક 3 વર્ષની મેક્સિકન છોકરી પણ દફનાવવાના થોડા સમય પહેલા જ જીવતી મળી હતી. જોકે, બાદમાં હોસ્પિટલમાં તેનું મોત થયું હતું.