વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું અને ગુજરાત ટાઇટન્સ સામે સદી ફટકારી. કોહલીએ સતત બીજી સદી ફટકારી હતી. આ સદીના કારણે તેણે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા. કોહલી IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે કુલ 7 સદી ફટકારી છે.
તેણે ગુજરાત ટાઇટન્સ સામે તોફાની બેટિંગ કરતાં અણનમ 101 રન બનાવ્યા હતા. કોહલીએ 61 બોલનો સામનો કરીને 13 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. કોહલી ઓપનિંગ કરવા ઉતર્યો હતો. તેણે ડુપ્લેસિસ સાથે સારી ભાગીદારી રમી હતી. પરંતુ ડુપ્લેસિસ 28 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કોહલીએ ચાર્જ સંભાળ્યો હતો.
કોહલીએ પોતાના શાનદાર પ્રદર્શનના કારણે ઘણા રેકોર્ડ તોડ્યા છે. તે પુરુષોની T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ મામલે ક્રિસ ગેલ ટોપ પર છે. ગેલે 22 સદી ફટકારી છે. કોહલીએ 8 સદી ફટકારી છે.
આ સદી સાથે વિરાટ કોહલી IPLમાં સતત બે સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. વિરાટ આવું કરનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. શિખર ધવને આ કારનામું પહેલીવાર 2020માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા કર્યું હતું. આ પછી રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જોસ બટલરે 2022માં સતત 2 સદી ફટકારી હતી. હવે RCBનો વિરાટ કોહલી આવું કરનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે.
વિરાટ કોહલીની આ શાનદાર સદીના કારણે RCB 20 ઓવરમાં 5 વિકેટે 197 રન બનાવી શકી હતી. એક તરફ ટીમ સતત વિકેટો ગુમાવી રહી હતી તો બીજી તરફ વિરાટ કોહલી મક્કમતાથી ઉભો હતો અને ટીમ માટે રન બનાવી રહ્યો હતો.
કોહલીએ IPL 2023ની 14 લીગ મેચોમાં 53.25ની એવરેજ અને 139.82ની સ્ટ્રાઈક રેટથી 639 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 6 અડધી સદી અને 2 સદી નીકળી છે.