રાજકોટના ક્લાસ I ઓફિસર જવરીમલ બિશ્નોઈની ગઈકાલે સીબીઆઈ દ્વારા રૂ. 5 લાખની લાંચ લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આજે સવારે ફર્સ્ટ ક્લાસ ઓફિસરે ઓફિસના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જવરીમલ બિશ્નોઈએ આજે સવારે ઓફિસ બિલ્ડિંગના ચોથા માળેથી છલાંગ લગાવી દીધી હતી. ઘટનાની જાણ થતા લોકોને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે અધિકારીને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બદનામીના ડરથી અધિકારીએ આ પગલું ભર્યું હોવાની આશંકા છે.
સીબીઆઈએ જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) જવારી મલ બિશ્નોઈની રૂ. 5 લાખની લાંચના કેસમાં ધરપકડ કરી હતી. સીબીઆઈએ ગુજરાતના રાજકોટમાંથી જોઈન્ટ ડાયરેક્ટર ઓફ ફોરેન ટ્રેડની કથિત રીતે 5 લાખની માંગણી કરવા અને સ્વીકારવા બદલ ધરપકડ કરી છે.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, ડીજીએફટીના જોઈન્ટ ડાયરેક્ટર જેએમ બિશ્નોઈએ ફૂડ કેનની અસ્થાયી નિકાસ માટે જરૂરી પ્રમાણપત્રો આપવાના બદલામાં 9 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આરોપીએ પ્રથમ હપ્તા તરીકે રૂ.5 લાખની માંગણી કરી હતી અને ફરિયાદીને એનઓસી આપતી વખતે બાકીની રકમ ચૂકવવા જણાવ્યું હતું.
ફરિયાદ મળ્યા પછી, સીબીઆઈએ છટકું ગોઠવ્યું અને આરોપીને 5 લાખ રૂપિયા લેતા રંગે હાથે પકડી લીધો. તે લાંચ લેતા ઝડપાયા બાદ સીબીઆઈએ રાજકોટમાં તેના નિવાસસ્થાને અને ઓફિસમાં તપાસ હાથ ધરી હતી.