તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં દેશનો પ્રથમ પીએમ મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ રિજન એન્ડ એપેરલ (પીએમ મિત્રા) પાર્કની સ્થાપના કરવામાં આવશે. આમાં લગભગ બે લાખ લોકોને રોજગાર મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે, તામિલનાડુની મારી બહેનો અને ભાઈઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વિરુધુનગર જિલ્લો પીએમ મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્કનું ઘર હશે. તે સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને રાજ્યના યુવાનો માટે ફાયદાકારક સાબિત થશે.
કેન્દ્રીય કાપડ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે પીએમ મિત્રા પાર્ક ટેક્સટાઈલ સેક્ટરને પ્રોત્સાહન આપવાની સાથે રોજગારની વિશાળ તકો ઉભી કરશે. દેશભરમાં બનાવવામાં આવનાર પીએમ મિત્રા પાર્કમાં લગભગ 70,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે, મેગા પ્રોજેક્ટ દક્ષિણ તમિલનાડુના આર્થિક વિકાસને વેગ આપશે. સીએમ સ્ટાલિન, રાજ્યના મંત્રીઓ થંગમ થેનારસુ, કેકેએસએસઆર રામચંદ્રન, આર ગાંધી અને કેન્દ્રીય મંત્રી એલ મુરુગન અને દર્શના વિક્રમ જર્દોશની હાજરીમાં અધિકારીઓ વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
વિદેશી હૂંડિયામણ કમાઈને ભારત આત્મનિર્ભર બનશે
કાપડ મંત્રી ગોયલે કહ્યું કે દરેક પાર્ક રોજગારીની વિશાળ તકો ઉભી કરશે. દેશની નિકાસ સ્પર્ધાત્મકતા વધારવા ઉપરાંત વિદેશી હૂંડિયામણ કમાશે. જેના કારણે ભારત આત્મનિર્ભર બનશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનને તમિલનાડુના લોકો સાથે જોડાવાની વિશેષ સ્નેહ અને ઈચ્છા હતી અને તેમણે હંમેશા અમને વિશ્વભરમાં ઓળખાતી સમૃદ્ધ તમિલ સંસ્કૃતિ વિશે જણાવ્યું.
બે લાખ લોકોને રોજગાર મળશે
સીએમ સ્ટાલિને રાજ્યમાં ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ પર પ્રકાશ પાડ્યો હતો અને વધુ રોકાણ આકર્ષવા માટે તેમની સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી. વિરુધુનગર પીએમ મિત્ર પ્રોજેક્ટ વિશે, સીએમએ કહ્યું કે રૂ. 2,000 કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ કરવામાં આવશે, જેમાં રૂ. 500 કરોડની કેન્દ્રીય સબસિડીનો સમાવેશ થાય છે. પીએમ મિત્રા પાર્ક પૂર્ણ થવાથી 2 લાખ લોકોને રોજગાર મળશે અને દક્ષિણ તમિલનાડુનો આર્થિક વિકાસ સુનિશ્ચિત થશે. તમિલનાડુમાં પીએમ મિત્રા પ્રોજેક્ટમાં રોકાણની પ્રતિબદ્ધતાઓ પર રાજ્યના અધિકારીઓ અને કંપનીઓ વચ્ચે કુલ 11 એમઓયુની આપ-લે કરવામાં આવી હતી.