પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર ઝાલ્મી તરફથી રમતા બાબર આઝમે પોતાના બેટની મદદથી T20 ક્રિકેટમાં બનાવ્યો છે એક મોટો રેકોર્ડ. બાબર આઝમે શુક્રવારે ઇસ્લામાબાદ યુનાઇટેડ સામેની પ્રથમ એલિમિનેટર મેચમાં 39 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા.
આ દરમિયાન બાબર આઝમે તેની T20 કારકિર્દીના 9000 રન પૂરા કર્યા. બાબર આઝમ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 9000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે ક્રિસ ગેલ અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. બાબર આઝમે 245 ઇનિંગ્સમાં 9000 T20 રન પૂરા કર્યા.
આ પહેલા આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો જેણે 249 ઇનિંગ્સમાં 9000 ટી20 રન પૂરા કર્યા હતા. આ યાદીમાં ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા સ્થાને યથાવત છે, જેણે 271 ઇનિંગ્સમાં 9000 ટી20 રન પૂરા કર્યા છે.
સૌથી ઝડપી 9000 T20 રન પૂરા કરવાના મામલે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર ચોથા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયન ઓપનરે 273 ઇનિંગ્સમાં 9000 T20 રન પૂરા કર્યા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચ આ યાદીમાં પાંચમા સ્થાને છે, જેમણે 281 ઇનિંગ્સમાં 9000 T20 રન પૂરા કર્યા છે.
સૌથી ઝડપી 9000 T20 રન પૂરા કરનાર બેટ્સમેન (ઈનિંગ્સમાં)
- 245 – બાબર આઝમ
- 249 – ક્રિસ ગેલ
- 271 – વિરાટ કોહલી
- 273 – ડેવિડ વોર્નર
- 281 – એરોન ફિન્ચ
બાબર આઝમની ટીમ જીતી હતી
બાબર આઝમની આગેવાની હેઠળની પેશાવર ઝાલ્મીએ પ્રથમ એલિમિનેટરમાં ઈસ્લામાબાદ યુનાઈટેડને 12 રનથી હરાવ્યું હતું. પેશાવર ઝાલ્મીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. જવાબમાં ઇસ્લામાબાદ યુનાઇટેડની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 171 રન બનાવી શકી હતી.