શિવસેના નામ અને ચિહ્ન છીનવાયા બાદ પણ ઉદ્ધવ ઠાકરેને એક પછી એક ઝટકાઓ લાગી રહ્યાં છે. હવે ઉદ્ધવ ઠાકરેનાં નજીકી અને જૂથનાં નેતા સુભાષ દેસાઈનાં દિકરા ભૂષણે એકનાથ શિંદેની શિવસેનાનો હાથ પકડ્યો છે. પાર્ટીમાં શામેલ થયાં બાદ ભૂષણે કહ્યું કે તેમને શિંદેની કામ કરવાની રીત પસંદ છે તેથી તેણે શિવસેનામાં શામેલ થવાનો નિર્ણય કર્યો છે. સોમવારે એકનાથ શિંદેનાં નેતૃત્વમાં તેમણે શિવસેનાની સદસ્યતા લીધી.
શિવસેનામાં શામેલ થયા બાદ ભૂષણ દેસાઈએ કહ્યું કે બાલાસાહેબ મારા ભગવાન છે. એકનાથ શિંદે હિંદુત્વ વિચારોને આગળ વધારી રહ્યાં છે. મને તેમના પર વિશ્વાસ છે. તેમની સાથે પહેલાં પણ કામ કરેલ છે અને આગળ પણ તેમની સાથે જ ઊભો રહીશ. એક સામાજિક કાર્યકર્તા હોવાને લીધે શિંદેથી હું પ્રેરિત છું.
ભૂષણનાં પાર્ટીમાં શામેલ થયા બાદ એકનાથ શિંદેએ કહ્યું કે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. અહીં આપણું સેશન ચાલુ છે અને ભૂષણ સુભાષ દેસાઈ આપણી સાથે શામેલ થયાં છે. બાલાસાહેબનાં વિચાર પર ચાલતી સરકાર મહારાષ્ટ્રમાં છે. CM શિંદેએ આગળ કહ્યું કે જ્યારે અમે અલગ થવાનો નિર્ણય કર્યો હતો ત્યારે અમારી સાથે 40 વિધાયક અને 13 સાંસદ હતાં. પરંતુ તેના બાદ અનેક લોકો અમારી સાથે જોડાયા હતાં.
તેમણે આગળ જણાવ્યું કે છેલ્લાં 6-7 મહિનાઓમાં મુંબઈ બદલીને પહેલાંથી પણ વધારે સારું થઈ ગયું છે. આ પહેલાં મુંબઈમાં શાસન કરનારાં તેને વધુ સારું ન બનાવી શક્યાં. લોકોને લાગે છે કે આપણી સરકાર સરકારનાં લોકો માટે કામ કરે છે. આ તમામ વાતોને જોતાં ભૂષણ દેસાઈ આપણી સાથે જોડાયા છે.