જો બાળકો કોઇ કારણસર સ્માર્ટ ગેજેટ્સ કે મોબાઇલ ફોન યૂઝ કરતાં હોય તો તેનું મોનિટરિંગ તમામ પેરેન્ટ્સે કરવું જોઇએ
સાઇબર ક્રાઇમના ટોપ-5 દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. McAfeeએ એક ચોંકાવનારો આંકડો જાહેર કર્યો છે. તેના જણાવ્યા પ્રમાણે દર 3માંથી 1 ભારતીય બાળક આ સાઇબર બુલિંગનો શિકાર બની રહ્યો છે. McAfeeએ એક ચોંકાવનારો રિપોર્ટ શૅર કર્યો છે, જેના જણાવ્યા પ્રમાણે ભારતમાં 10 વર્ષથી ઓછી વય ધરાવતા દરેક 3માંથી 1 બાળક ઓનલાઇન સાઇબર રેસિઝમ, સેક્સુઅલ હેરેસમેન્ટ અને ફિઝિકલ હાર્મનો શિકાર બને છે. આ કારણસર ભારતનાં બાળકો સાઇબરબુલિંગના મામલામાં ગ્લોબલી ટોપ પર છે. રિપોર્ટમાં તેમ પણ જણાવાયું છે કે ભારતનાં બાળકો પર થઇ રહેલા સાઇબર બુલિંગનો આંકડો ગ્લોબલ એવરેજથી બે ગણો છે. McAfee દ્વારા 10 દેશોનાં 11,500 પેરેન્ટ્સ અને બાળકો (10થી 18 વર્ષ)ની વચ્ચે આ સરવૅ કરવામાં આવ્યો. આ દેશોમાં અમેરિકા, યુ.કે., જર્મની, કેનેડા અને ભારત પણ સામેલ છે.
McAfeeના ચીફ પ્રોડક્ટ ઓફિસર ગગનસિંહે જણાવ્યું છે કે ભારતમાં સાઇબર બુલિંગ મામલો દુનિયાભરમાં સૌથી વધુ જોવા મળે છે. 10 વર્ષથી ઓછી વયનાં 3 બાળકોમાંથી 1 બાળક તેનો શિકાર બની રહ્યો છે. તેમણે આ વિશે વધુમાં જણાવ્યું હતું કે ભારતના પેરેન્ટ્સમાં સાઇબર બુલિંગને લઇને તેની જાણકારીનો અભાવ જણાય છે. પણ તેથીય ગંભીર અને ચિંતાજનક વાત એ છે કે બાળકો કેટલાક જોક્સ અને નેમ-કોલિંગ જેવા વ્યવહારોને ઓનલાઇન હાનિકારક કે નુક્સાનકારક નથી માની રહ્યાં!
તમારાં બાળકોને સાઇબર બુલિંગથી કેવી રીતે બચાવશો
બાળકોને સાઇબર બુલિંગથી બચાવવા માટે જે તે પેરેન્ટ્સને સાઇબર ક્રાઇમ વિશેની વિશેષ જાણકારી હોવી જોઇએ. પેરેન્ટ્સે પોતાનાં બાળકોને ઓનલાઇન બનતી ઘટનાઓથી બચવા માટે સવિસ્તર સમજાવવંુ જોઇએ અને બાળકોને સોશિયલ મીડિયાથી ખૂબ જ દૂર રાખવાં જોઇએ. આ સિવાય પેરેન્ટ્સે બાળકોને સ્માર્ટ ફોન યૂઝ કરવાથી સદંતર રોકવાં જોઇએ. જો બાળકો કોઇ કારણસર સ્માર્ટ ગેજેટ્સ કે મોબાઇલ ફોન યૂઝ કરતાં હોય તો તેનું મોનિટરિંગ તમામ પેરેન્ટ્સે કરવું જોઇએ. આ ઉપરાંત બાળકોના ઇ-મેઇલ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની જાણ પેરન્ટ્સને હોવી જોઇએ. જો બાળક પોતાના હાથમાં ગેઝેટ્સ કે મોબાઇલ પ્લે કરતું હોય તો તમારે તેની સાથે રહેવું જોઇએ. અને તે કઇ કઇ ગેમ રમે છે કે શું શું જુએ છે તેની પણ પેરેન્ટ્સને જાણ હોવી જોઇએ. પેરેન્ટ્સે ઘણી વાર બાળકોના ગેજેટ્સની આકસ્મિક તપાસ પણ કરતું રહેવું જોઇએ. અલબત્ત, બાળકોને જ્યારે પણ મોબાઇલ આપવામાં આવે ત્યારે પેરન્ટલ લૉક લગાવીને આપવું જોઇએ.
ભારતમાં ગ્લોબલ એવરેજથી વધુ સાઇબર બુલિંગના કેસીસ
સાઇબર બુલિંગની અલગ અલગ મેથડમાં ઓનલાઇન ટ્રોલિંગ, પર્સનલ અટેક, સેક્સુઅલ હેરેસમેન્ટ, થ્રેટ ઓફ પર્સનલ હાર્મ અને ડૉક્સિંગનો સમાવેશ થાય છે. આ સરવૅમાં 36 ટકા બાળકો ઓનલાઇન ટ્રોલિંગનો શિકાર છે અને 20 ટકા બાળકો પર પર્સનલ એટેક એટલે કે અંગત હુમલો કરવામાં આવે છે. જ્યારે 30 ટકા બાળકો સેક્સુઅલ હેરેસમેન્ટ, 28 ટકા પર્સનલ હાર્મ અને 23 ટકા બાળકો ડોક્સિંગ, અંગત જાણકારીઓ પબ્લિશ કરવી જેવી બાબતો સામેલ છે. તેટલું જ નહીં પણ આ સિવાય 39 ટકા બાળકો નકલી અફવાનાં શિકાર બને છે. આ ઉપરાંત 34 ટકા બાળકો સાથે નેમ-કોલિંગ જેવી ઘટનાઓ બને છે. આ તમામમાં ચોંકાવનારી ઘટના તે છે કે 45 ટકા ભારતીય બાળકો તેમના પેરેન્ટસથી સાઇબર બુલિંગની ઘટના છુપાવે છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ગ્લોબલી 17 ટકાના મુકાબલે ભારતનાં 45 ટકા બાળકો અજાણી વ્યક્તિઓ દ્વારા સાઇબર બુલિંગનો શિકાર થાય છે તેમજ 48 ટકા બાળકો જાણીતી વ્યક્તિઓ દ્વારા શિકાર બને છે. આ સરવૅમાં અન્ય ચોંકાવનારા આંકડાઓ પણ સામે આવ્યા છે. 10થી 14 વર્ષની વય ધરાવતી છોકરીઓ પણ સાઇબર બુલિંગનો શિકાર થાય છે, જ્યારે 15થી 16 વર્ષની વય ધરાવતી 34 ટકા છોકરીઓ પર સાઇબર બુલિંગ થાય છે. ભારતનાં બાળકોમાં સાઇબર બુલિંગનો મામલો ગ્લોબલ એવરેજના મુકાબલે 1.5 ગણો વધારે છે.