ચાલતી સ્કૂલ બસમાં અચાનક ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો. પરંતુ નજીકમાં બેઠેલી એક સ્કૂલની છોકરીએ હિંમત અને સમજણ બતાવી તરત જ ઊભા થઈને સ્ટિયરિંગ સંભાળ્યું. જેના કારણે મોટી અપ્રિય ઘટના બનતા રહી ગઈ અને ડ્રાઇવરનો જીવ પણ બચી ગયો હતો. સોશિયલ મીડિયામાં આ વિદ્યાર્થીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. હવે આ વિદ્યાર્થીનીનું શાળામાં સન્માન પણ કરવામાં આવ્યું છે. આ ઘટના ગુજરાતના રાજકોટની છે.
રાજકોટ જિલ્લાના ગોંડલની ભરાડ વિદ્યાપીઠની એક સ્કૂલ બસ મક્કમ ચોક પાસે પહોંચવાની હતી. ત્યારે બસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. પછી ડ્રાઈવરની નજીક બેઠેલી ધોરણ 12ની વિદ્યાર્થિની ભાર્ગવીએ સ્ટિયરિંગ હાથમાં લીધું અને બસને બીજી બાજુ ફેરવવામાં સફળ રહી. આ પછી બસ ધીમી ગતિએ ચાલી અને ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાઈને અટકી ગઈ અને અનિચ્છનીય બનાવ ટળી ગયો.
ભાર્ગવી પોતાના ઘરેથી સ્કૂલ બસમાં ચડનારી પહેલી વિદ્યાર્થીની હતી. શનિવારે શાળાનું વાર્ષિક કાર્ય હતું. તે ડ્રાઈવરની બાજુની સીટ પર બેસીને મુસાફરી કરી રહી હતી. વચ્ચે તેની બસ ડ્રાઈવર સાથે થોડી વાતચીત પણ શરૂ થઈ. દરમિયાન અચાનક હારૂનભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. પછી ભાર્ગવીએ હિંમત બતાવી અને તરત જ સ્ટિયરિંગ હાથમાં લીધું અને બીજી દિશામાં ફેરવ્યું. જેના કારણે બસ રોડની બીજી બાજુએ આવીને એક થાંભલા સાથે અથડાઈને ઉભી રહી ગઈ હતી અને અનિચ્છનીય ઘટના ટળી હતી.
જો ભાર્ગવીએ સ્ટિયરિંગ હાથમાં લઈને બસ ન ફેરવી હોત તો બસ સિગ્નલ પર ઉભેલા અનેક વાહનો સાથે અથડાઈ હોત અને મોટો અકસ્માત સર્જાયો હોત. બસ ઉભી રહેતા જ ત્યાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને મોટી દુર્ઘટના ટળી હતી. તરત જ 108 નંબર પર ફોન કરવામાં આવ્યો. આ પછી હારૂનભાઈ નામના બસ ડ્રાઈવરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા