પ્રાણીઓ પર થતા અત્યાચાર અને ચામડું બનાવવાની પ્રોસેસ કાળજુ કંપાવનારાં હોય છે. અનેક લોકો માટે ચામડાની ચીજો વાપરવી કે ચામડાનાં જૂતાં પહેરવાં એ વાત પ્રાણીઓ પર અત્યાચાર કરવા સમાન જ લાગે છે. અહીં જો ફૅશન ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો મોટી બ્રૅન્ડ્સ સ્પેશ્યલી રિયલ લેધરનાં હૅન્ડક્રાફ્ટેડ જૂતાં જ બનાવે છે, કારણ એ કે રિયલ લેધર લાંબું ટકે છે. જોકે હવે એવું નથી. જુદા-જુદા અનેક મટીરિયલમાંથી બનતું સિન્થેટિક લેધર જે વીગન લેધર તરીકે ઓળખાય છે, એમાં પણ અનેક ડિઝાઇન અને વરાઇટી મળી રહે છે અને હવે તો ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ્સ પણ વીગન ફુટવેઅર બનાવતી થઈ છે.
વીગન લેધર ખૂબ જ આસાનીથી મળી રહેતા પૉલિયુરેથિન નામના કૃત્રિમ કમ્પાઉન્ડમાંથી બને છે જે મોટા ભાગે રીસાઇકલ કરેલા પ્લાસ્ટિક, ઓકના વૃક્ષની છાલમાંથી મળતા કોર્ક, પ્લાન્ટ વેસ્ટ અને આવા બીજા સસ્ટેનેબલ મટીરિયલમાંથી બને છે. વીગન લેધર દેખાવમાં આબેહૂબ અસલી ચામડા જેવું જ હોય છે, પણ અહીં એ પ્રાણીઓને કોઈ ત્રાસ આપ્યા વિના કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યું હોવાને કારણે વધુ એથિકલ બને છે. તેમજ હવે બજારમાં લેધરનાં જૂતાંથી લઈને બેલ્ટ, બૅગ્સ અને જૅકેટ પણ આસાનીથી મળી રહે છે.
વીગન લેધરમાં બનાના ફાઇબરથી લઈને પીવીસી જે વિનાઇલ જેવી ચમક આપે છે અને પિનટેક્સ જે અનનાસનાં પાનનાં ફાઇબરમાંથી બને છે એવી અનેક વરાઇટી છે. દરેક વરાઇટીના જુદા-જુદા ગુણધર્મો અને ફાયદા છે. વીગન લેધરની સરખામણીમાં લૉન્ગ લાસ્ટિંગ અને સ્ટાઇલિશ ભલે હોય, પણ રિયલ લેધર પૉકેટ-ફ્રેન્ડ્લી જરાય નથી. લેધરની બનાવટની ચીજો ખૂબ મોંઘી હોય છે. વીગન લેધરમાં રિયલ લેધરનાં બધાં જ ફીચર્સ અડધા ભાવમાં મળી રહે છે.
વીગન લેધરમાં રંગ અને ડિઝાઇનના પર્યાયો અનેક છે. કૃત્રિમ રીતે બનતું હોવાને કારણે એમાં કોઈ પણ રંગ બનાવવો શક્ય છે જેને કારણે ડિઝાઇનમાં પણ અનેક વરાઇટી બનાવી શકાય છે. આ જ બાબત રિયલ લેધરમાં થોડી મુશ્કેલ બને છે, કારણ કે ચામડું સમય જતાં એનો રંગ બદલે છે.
વીગન લેધર સસ્તું છે, પ્રાણીઓને ત્રાસ આપ્યા વિના બનાવવામાં આવ્યું છે, ગિલ્ટ-ફ્રી છે, સસ્ટેનેબલ છે અને ડિઝાઇન તથા રંગોના અઢળક પર્યાયો એમાં છે. એક ફૅશનપરસ્ત જૂતાંના શોખીનને બીજું શું જોઈએ? જો તમે લેધરનાં જૂતાં પહેરતા હશો તો તમને જાણ હશે જ કે પાણી ચામડાની ચીજો માટે દુશ્મન સમાન છે. વીગન લેધરની બાબતમાં એવું નથી. પીયુ કે પીવીસીનાં બનેલાં જૂતાં મોટા ભાગે વૉટરપ્રૂફ હોય છે અને મિનિમમ વેર ઍન્ડ ટેર સાથે લાંબો સમય ચાલે છે. એ સાથે જ એની સારસંભાળ પણ આસાન છે.