કેન્દ્રીય બજેટ 2023માં સરકારનું ફોકસ ગ્રામીણ અર્થતંત્ર અને સામાજિક કલ્યાણ પર રહેશે તેવી અપેક્ષા છે. ઊંચા ફુગાવાના એક વર્ષ પછી સેન્ટિમેન્ટ વધુ સારું થઈ રહ્યું છે. ખરાબ હવામાનની અસર પાક પર પડતાં ખેડૂતોની આવક પર અસર પડી હતી. શહેરી વિસ્તારોમાં આર્થિક પ્રવૃતિમાં વધારો થવાથી ગ્રામીણ વિસ્તારોમાં બિનખેતી ક્ષેત્રને ફાયદો થયો છે. ડીબીએસ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને વરિષ્ઠ અર્થશાસ્ત્રી રાધિકા રાવે જણાવ્યું હતું કે રવિ પાકની સારી વાવણીના પગલે ગ્રામીણ ફુગાવો નરમ થવાથી ટૂંકા ગાળામાં પરિસ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આવતા વર્ષે લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીની અસર બજેટ પર જોવા મળશે.
સરકાર ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્યક્રમ મનરેગા માટે ફાળવણીમાં વધારો કરી શકે છે. આ નાણાકીય વર્ષ માટે, સરકારે આ યોજના માટે 73,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સરકારનું ફોકસ પાક વીમો, ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓછી કિંમતના આવાસ પર પણ વધવાની અપેક્ષા છે. SBI રિસર્ચના Ecowrap રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરકાર કૃષિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થા પર પોતાનો ખર્ચ વધારી શકે છે.
નિષ્ણાતો કહે છે કે શહેરી વિસ્તારોમાં માંગ વધી છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ નબળી છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે સરકાર કેન્દ્રીય બજેટમાં ગ્રામીણ વિસ્તારો પર ફોકસ વધારશે. બજેટમાં માંગ વધારવાના પગલાંની જાહેરાત કરવામાં આવી શકે છે. SBI રિસર્ચના રિપોર્ટમાં નાના અને સીમાંત ખેડૂતો માટે KCC લોનના નવીકરણમાં વધારો કરવાની ભલામણ કરવામાં આવી છે.
FMCG કંપનીઓ પણ કેન્દ્રીય બજેટ 2023માં ગ્રામીણ વિસ્તારો પર સરકારના ફોકસમાં વધારાની અપેક્ષા રાખી રહી છે. તેનાથી લોકોની આવકમાં વધારો થશે, જે માંગને પણ ટેકો આપશે. નબળી માંગની અસર FMCG કંપનીઓના વેચાણ પર પડી રહી છે. FMCG કંપનીઓના કુલ વેચાણમાં ગ્રામીણ વિસ્તારોનો હિસ્સો સારો છે.