દરેક ૠતુમાં અલગ-અલગ શાકભાજી હોય છે. શિયાળામાં ફુલેવર, ગાજર, વટાણા જેવા શાકભાજી ભરપૂર મળી રહે છે. શિયાળાની શરૂઆતમાં તો આ બધા શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ શિયાળો પૂરો થતાં-થતાં શાકનો સ્વાદ ઓછો થવા લાગે છે.
ઘણીવાર એવું બનતું હોય છે કે, આપણું ભાવતું શાક યોગ્ય રીતે બનતું ન હોય. ફુલેવર એક એવું શાક છે, જેમાં પાણીની માત્રા હોય છે અને શાક ચઢે એટલે એ પાણી છોડવા લાગે છે.
જો તમને પણ આ જ સમસ્યા સતાવતી હોય, શાક ગળી જતું હોય, ભાવતું ન હોય, રાંધેલું બગડતું હોય તો, આ આર્ટિકલ ખાસ તમારા માટે જ છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ ફુલેવરનું પરફેક્ટ શાક બનાવવાની રીત.
- સરખી રીતે ધોઈને, સુકવીને ફુલેવરનું શાક બનાવો
શું તમે શાકને ધોઈને સીધુ જ બનાવી લો છો? જો આમ કરતા હોવ તો આ ભૂલ ન કરવી જોઈએ. ફુલેવર પાણી છોડે છે. જો શાકમાં પહેલાંથી પાણી હશે તો તે ગળી જશે અને સ્વાદિષ્ટ નહીં બને. શાકને ધોયા બાદ થોડીવાર સૂકવ્યા બાદ જ તેમાંથી શાક બનાવવું જોઈએ. એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, ફુલેવરને બહુ નાનુ-નાનુ ન સમારવું જોઈએ અને સમારીને પેપરમાં ફેલાવો, ત્યારબાદ જ તેમાંથી શાક બનાવો.
- યોગ્ય આંચે શાકને ચઢાવો
કેટલાક શાકભાજીને યોગ્ય આંચે બનાવવું ખૂબ જ જરૂરી છે. ફુલેવર આમાનું જ એક શાક છે. ફુલેવરનું શાક બનાવવા માટે જ્યારે પણ તેને કઢાઈમાં લો ત્યારે ગેસની આંચ મીડિયમ જ રાખો. ખાસ ધ્યાનમાં રાખો, આ શાકને તેજ આંચે ન ચઢવવું જોઈએ, નહીંતર શાક ડાઝવા લાગશે. તો શાકને ધીમી આંચે ઢાંકીને પણ ન ચઢવવું જોઈએ. આ રીતે ફુલેવરનું શાક જલદી ચઢી જશે અને વરાળના કારણે પાણી છોડવા લાગશે. મધ્યમ આંચે થોડીવાર હલાવતાં-હલાવતાં શાક ચઢીને તૈયાર થઈ જશે.
- શાકમાં પહેલાથી મીઠું ન નાખો
મીઠા વગર તો શાકનો સ્વાદ તો અધૂરો જ રહી જાય છે, પરંતુ શાકમાં મીઠું ક્યારે નાખવું એ બહુ મહત્વનું છે. જે શાક પાણી છોડતાં હોય કે જલદી ગળી જતાં હોય તેમાં પહેલાંથી મીઠું ન નાખવું. ખાસ ધ્યાનમાં રાખો કે, મીઠું શાકમાં સ્વાદ બનાવે છે, તો શાકને ગળાવે પણ છે. જ્યારે શાક બરાબર સંતળાઈ જાય અને લગભગ 70 ટકા
ચઢી જાય ત્યારબાદ જ તેમાં મીઠું નાખવું જોઈએ. ફુલેવરના શાકને ક્યારેય 100 ટકા ન ચઢવવું જોઈએ, નહીંતર પચ-પચ થઈ જશે.
- શાકને પરફેક્ટ બનાવવા કરો આ એક કામ
જ્યારે પણ તમે ફુલેવરના શાકને ક્રંચી બનાવવા ઈચ્છો ત્યારે તમે એક કામ કરી શકો છો. આ માટે શાકને ધોઈને સૂકવ્યા બાદ તેમાં થોડું બેસન નાખો અને મિક્સ કરી દો. ત્યારબાદ તેને તેલમાં તળી લો. તેલમાં ફુલેવર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવું. તમે ઈચ્છો તો, મસાલા તૈયાર કરી ક્રિસ્પી શાકને તેમાં નાખી શકો છો, અથવા શાકને ફ્રાય કરતી વખતે પણ તેમાં મસાલા નાખી શકો છો. તેનાથી તમારા શાકમાં ફ્લેવર આવશે અને શાક ગળશે નહીં.