સમગ્ર ગુજરાતમાં હાલ વાદળો ઘેરાયા છે. વાતાવરણ વાદળછાયું બન્યું છે. રાજ્યના ભાવનગર-સુરત-રાજકોટ-આણંદ જેવા જિલ્લાઓમાં મોડી રાતે વરસાદી ઝાપટા પડ્યા છે. લોકોને હાલ ઠંડી અને વરસાદ બંનેનો અનુભવ થઈ રહ્યો છે. બેવડી ઋતુ હોવાથી તાવ, શરદી-ખાંસીના વાયરલ રોગોમાં પણ વધારો થયો છે. આ વાતાવરણથી ખાસ ખેડૂતો ચિંતામાં મૂકાયા છે, તેમને શિયાળુ પાકમાં નુકસાન જાય તેવી ભીતિ ઉભી થઈ છે.
હવામાન વિભાગથી મળતી માહિતી મુજબ ભાવનગરમાં ગઈકાલથી જ ભેજવાળુ વાતાવરણ હતું. ખૂબ જ ઠંડી પડી હતી અને ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તેવામાં વરસાદ વરસતા લોકો ઠંડીથી ઠુંઠવાયા હતાં.
ચોમાસા જેવો વરસાદ
એકલા ભાવનગર નહીં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં પંચમહાલ, આણંદ, ખેડા, મહુધા જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યાં વીજળીના કડાકાભડાકા સાથે માવઠુ વરસ્યું હતું.
વડોદરામાં પણ કમોસમી વરસાદ
વડોદરા શહેરમાંન આજે વાતાવરણમાં વહેલી સવારથી અચાનક પલટો આવતા વાદળ છાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. વાદળછાયા વાતાવરણ અને સાથે વરસાદ પડતા ઠંડીમાં પણ વધારો નોંધાયો હતો, ત્યારે શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવતા સ્વેટર પહેરવું કે રેઈનકોટ લોકોને પ્રશ્ન ઉદ્ભવ્યો હતો.
સુરત ગ્રામ્યમાં માવઠું
સુરતમાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ માવઠાના કારણે લોકોમાં સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા સતાવી રહી છે. જગતનો તાત ખેડૂત પણ ચિંતાતુર બન્યો છે. આ વરસાદના કારણે શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે.
મહીસાગરમાં વરસાદી ઝાપટાં
મહીસાગર જિલ્લામાં પણ મોડી રાતથી વરસાદી માહોલ સર્જાયો હતો. જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, ખાનપુર જેવા તાલુકાઓમાં વરસાદી છાંટા પડ્યાં હતાં. લુણાવાડા તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.