કર્ણાટકની મુલાકાતે હુબલી પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી નેતા અમિત શાહે પીએમ મોદીના જોરદાર વખાણ કર્યા છે. BVB એન્જિનિયરિંગ કોલેજના ‘અમૃત મહોત્સવ’ને સંબોધતા શાહે કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાનું જીવન પીએમ મોદીની જેમ પોતાના દેશ માટે જીવવું જોઈએ અને ભારતને વિશ્વમાં નંબર વન દેશ બનાવવા માટે કામ કરવું જોઈએ.
જાહેર સભાને પણ સંબોધશે
માનવામાં આવે છે કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાહ કર્ણાટકના પ્રવાસે છે. શાહ કર્ણાટકના હુબલી-ધારવાડ અને બેલાગવીમાં પાર્ટી દ્વારા આયોજિત રોડ શોની સાથે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમની મુલાકાત દરમિયાન, ગૃહ પ્રધાન બેલાગવી જિલ્લાના કિત્તુર વિધાનસભા ક્ષેત્રમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
કર્ણાટકમાં ભાજપની પકડ મજબૂત કરવાના પ્રયાસો
શાહ ભાજપ દ્વારા આયોજિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. મળતી માહિતી મુજબ, શાહની આ મુલાકાત આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે હશે. આ દરમિયાન શાહ કર્ણાટકમાં પાર્ટીના વિસ્તરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે અને નવી રણનીતિ ઘડી શકે છે.
સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે
કેન્દ્રીય મંત્રી તેમના કર્ણાટક પ્રવાસ પર સૌથી પહેલા KLEની BVB કોલેજની 75મી વર્ષગાંઠના કાર્યક્રમમાં ભાગ લેશે. શાહ ત્યારબાદ રાજ્ય દ્વારા નિર્મિત ઇન્ડોર સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે અને બાદમાં ધારવાડમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો શિલાન્યાસ કરશે. ગૃહમંત્રી ભાજપના અનેક કાર્યક્રમોમાં પણ હાજરી આપશે, જ્યાં તેઓ કુંડાગોલમાં વિજય સંકલ્પ અભિયાનમાં પણ ભાગ લેશે.