શ્રી ઠાકર ભોજનાલય ૭૬ વર્ષ પહેલાં એટલે કે ઑલમોસ્ટ આઝાદીની સાથે શરૂ કરવામાં આવી હતી. જેમાં તમને ખબર ન હોય તો કહેવાનું કે કાલબાદેવીમાં ઘણાંબધાં ભોજનાલયો છે જેને પહેલાં લૉજ તરીકે જ ઓળખવામાં આવતાં. આ બધી લૉજ બ્રાહ્મણોએ શરૂ કરી હતી. આઝાદીની આસપાસનો આખો સમયગાળો એવો હતો કે આપણા ગુજરાતીઓને પોતાને કે પરિવારના સભ્યોને બહાર હોટેલમાં જમવું ગમતું નહીં અને એ સમયગાળામાં માઇગ્રેશન પુષ્કળ ચાલતું. આવા સમયે ગુજરાતભરમાંથી આવેલા આ પુરુષો જમે ક્યાં? આ એ સમયની વાત છે કે જે સમયે ચંપલ પહેરીને તો શું, નાહ્યા વિના પણ રસોડામાં દાખલ નહોતું થવાતું. એ સમયે મોટા ભાગના સાધન-સંપન્ન પરિવારના ઘરમાં બ્રાહ્મણો જ રસોઈ બનાવતા. તે લોકો નિયમોનું ચુસ્તપણે પાલન કરતા અને કરાવતા. અમારા ઘરે જે બ્રાહ્મણ મહારાજ રસોઈ બનાવવા આવતા તેને જો તમે ભૂલથી પણ અડી ગયા તો તે બધું પડતું મૂકીને પહેલાં નહાવા જતા. આવું કરવા પાછળનું કારણ એ કે આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે અન્ન બનાવતી વખતે મનમાં હકારાત્મક ભાવ હોવો અનિવાર્ય છે. અન્ય કોઈના સ્પર્શથી એ વાઇબ્રેશનમાં ખલેલ પડે તો નહાવું એવું પણ શાસ્ત્રોમાં કહેવાયું છે. રસોઈ બનાવતા બ્રાહ્મણોના મનમાં ગાયત્રી મંત્રથી લઈને ગાયત્રી સહસ્રનામ સતત ચાલુ જ હોય, જેનો પણ સ્વાદ રસોઈમાં ઉમેરાતો.
બહારગામથી આવીને મુંબઈમાં વસતા યુવાનોનાં માબાપ એવું ઇચ્છતાં કે તેમનાં સંતાનો એવા ભોજનાલયમાં જમે જ્યાંનું વાતાવરણ અને ભોજન બન્ને હૃદય અને મનને તંદુરસ્ત રાખે. આવા જ ઉદ્દેશ સાથે શ્રી ઠાકર ભોજનાલય અને અન્ય થાળી રેસ્ટોરાં શરૂ થઈ. શ્રી ઠાકરનો સ્વાદ હું મારી યુવાનીના સમયથી માણતો આવ્યો છું. કરીઅરની શરૂઆતમાં હું દવાબજારમાં નોકરી કરતો ત્યારે શ્રી ઠાકરમાં ઘણી વાર જમ્યો છું. થોડા સમય પહેલાં બિલ્ડિંગવાળા સાથે ડિસ્પ્યુટ થતાં શ્રી ઠાકર બંધ કરીને માલિકોએ બાજુના જ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ગૌતમ નામની રેસ્ટોરાં શરૂ કરી હતી, પણ કેસ જીતી જતાં શ્રી ઠાકર ભોજનાલય ફરી શરૂ થયું. આ વખતે જમવા માટે ગયા ત્યારે ખબર પડી કે માલિકના દીકરાનું નામ ગૌતમ હોવાથી એ લોકોએ ગૌતમ નામ રાખ્યું હતું.
શ્રી ઠાકર ભોજનાલય ચોખ્ખાઈ અને શુદ્ધતા માટે તો શિરમોર છે જ, પણ જે વાત કોઈએ નોટિસ નથી કરી એ તમને કહું. શ્રી ઠાકરમાં જે રસોઇયા છે તે ગુજરાતી છે. આજે મોટા ભાગની થાળી રેસ્ટોરાંમાં રાજસ્થાની સ્વાદ હોય છે એનું કારણ છે. મુંબઈમાં રાજસ્થાનથી રસોઇયાઓ ખૂબ આવ્યા છે. જોકે શ્રી ઠાકરમાં પ્યૉર ગુજરાતી સ્વાદ જ તમને મળશે. એનું કારણ છે ઉત્તર ગુજરાતના પાકનિષ્ણાત એવા રસોઇયાઓ.
થાળીના સાતસો રૂપિયા. સાતસો રૂપિયા જો તમને વધારે લાગે તો કહી દઉં કે ચોખ્ખાઈ, શુદ્ધતા અને શ્રેષ્ઠ સ્વાદની સાથે ત્રણ સ્વીટ્સ, ત્રણ ફરસાણ અને અનલિમિટેડ ફૂડ. એ દૃષ્ટિએ આ ભાવ વાજબી છે. અમે બેઠા એટલે એક મોટી થાળી આવી. એમાં આઠ વાટકી અને એક ડિશ. આટલી બધી વાટકી અને ડિશ જોઈને હું તો ઉત્સુક થઈ ગયો કે હવે આમાં શું-શું આવશે?
બે પ્રકારની દાળ. એક આપણી ટિપિકલ ગળાશવાળી ગુજરાતી દાળ અને જેમને એ ન જોઈતી હોય તેમના માટે તીખી દાળ તો એક વાટકીમાં ગુજરાતી સ્ટાઇલની કઢી. પછી આવ્યો શાકનો વારો. ભીંડાનું શાક, વટાણા-બટાટાનું શાક. પંજાબી સબ્ઝીનું ચલણ વધ્યું છે એટલે એક પનીરની સબ્ઝી અને ગુજરાતી સ્ટાઇલથી વઘારેલા મગ. હજી બે વાટકી ખાલી હતી, જેમાંથી એકમાં આવ્યો સ્ટ્રૉબેરી શ્રીખંડ અને બીજામાં કોપરાનો લાઇવ હલવો અને મલાઈ સૅન્ડવિચ મૂકી થાળીમાં.
શ્રીખંડની લચક જોઈને બાજુમાં બેઠેલી કેતકીને મેં કહ્યું કે શ્રીખંડ નહીં, મઠો છે. ત્યાંથી પસાર થતા શ્રી ઠાકરના ઓનર એવા ગૌતમભાઈ આ સાંભળીને તરત ઊભા રહી ગયા અને કહ્યું કે આપણે ત્યાં કોઈ મઠામાં સમજતું નથી એટલે આપણે એને શ્રીખંડ તરીકે પીરસીએ છીએ. શરીરમાં રહેલો ડાયાબિટીઝ મને રોકે અને વાચકમિત્રો, તમારો પ્રેમ મને ખેંચે એ પહેલાં મેં તો પૅન્ક્રિયાઝને ટપલી મારીને ચૂપ કર્યું અને સૌથી પહેલાં ટેસ્ટ કર્યો સ્ટ્રૉબેરી મઠો.
એકદમ ક્રીમી અને એમાં રિયલ સ્ટ્રૉબેરીના નાના-નાના ટુકડા. દૂર-દૂર સુધી ક્યાંય એસેન્સ નહીં એવો એ નૅચરલ જાણે કે એક-એક સ્ટ્રૉબેરી ચાખીને પસંદ કરી હોય. પછી ટેસ્ટ કર્યો કોપરાનો લાઇવ હલવો. કોપરું એમાં સ્વાદ માટે અને માવાનું પ્રમાણ વધારે. મોઢામાં ચમચી મૂકો કે તરત કોપરું માવાને કારણે મેલ્ટ થવા માંડે અને કોપરાની ઝીણી કણી તમારી દંતપંક્તિને સ્પર્શે. અદ્ભુત સાહેબ. બહુ જ સરસ સ્વાદ, ગળાશ માઇલ્ડ અને એ જ એની બ્યુટી. નજર ઠરી મારી મલાઈ સૅન્ડવિચ પર. આ બંગાળી મીઠાઈ એટલે મને થયું કે આમાં હું વાંધાવચકા કાઢી શકીશ. હજી થાળીની વચ્ચે પડેલી પેલી ડિશ ખાલી હતી. એમાં શું આવે છે એની તાલાવેલી હતી અને ત્યાં જ આવ્યું સુરતી ઊંધિયું. ઊંધિયું બે પ્રકારનું હોય છે : સુરતી અને કાઠિયાવાડી. કાઠિયાવાડી ઊંધિયું લાલચટક હોય અને સુરતી ઊંધિયું લીલા રંગનું હોય. સુરતી ઊંધિયામાં એ લોકો કેળાના બે ટુકડા કરીને છાલ સહિત નાખે અને એમાં રીંગણ નહીં, રીંગણી નાખે. આ રીંગણી ઝડપથી કેળાનો ગળ્યો સ્વાદ પકડી લે એટલે સુરતી ઊંધિયું ખાતી વખતે તમને રીંગણી મીઠી લાગે. સુરતી ઊંધિયામાં ઑથેન્ટિક સ્વાદ હતો અને કેળાના ટુકડા જોઈને હું ખુશ થઈ ગયો.
વાત કરીએ ફરસાણની. ત્રણ જાતનાં ફરસાણ હતાં. એક ઢોકળાં, બીજું પોંક પૅટીસ. પોંકની આ સીઝનમાં લૉકડાઉનને લીધે હું સુરત શો માટે જઈ શક્યો નહોતો એનો મનમાં વસવસો હતો જે શ્રી ઠાકરે દૂર કર્યો. ઍનીવે, ત્રીજું, કૉર્ન ભજિયાં. આ ઉપરાંત લસણની, લીલી અને ખજૂરની એમ ત્રણ ચટણી તો સાથે રોટલી, બિસ્કિટ ભાખરી અને જુવાર, રાગી, બાજરી અને નાચણીના રોટલા અને સાથે છાશ પણ. છેલ્લે ભાત અને ભાત સાથે લચકો દાળ. ભાત ઉપર દાળ નાખે અને ના ન કહો ત્યાં સુધી ઉપર ઘી રેડે. બાપલા સાતેસાત કોઠે દીવા પ્રગટી ગયા. આજે પણ શ્રી ઠાકરમાં એ જ સ્વાદ છે, જે વર્ષો પહેલાં મેં લીધો હતો.