શહેરો પહેલા ગામડાઓ જ અસ્તિત્વમાં હતા
ભારતનું છેલ્લું ગામ ઉત્તરાખંડમાં આવેલું છે
આ ગામનો સંબંધ મહાભારત કાળ સાથે પણ જોડાયેલો છે
ભારત (India) રહસ્યો, પ્રાકૃતિક સંપદા, પૌરાણિક પરંપરાઓનો દેશ છે.ભારતમાં એવા ઘણા સ્થળો છે જે રહસ્યોથી ભરપૂર છે. આવા સ્થળોની માહિતી અવારનવાર આપણી સામે આવતી રહે છે. ભારત ગામડાઓનો દેશ પણ છે. શહેરો પહેલા ગામડાઓ જ અસ્તિત્વમાં હતા. ભારતનું છેલ્લુ ગામ (Last Village of India) કયુ ? આ સવાલ તમને પૂછવામાં આવે તો તમે જવાબ નહીં આપી શકો. કારણ કે કોઈએ તેના વિશે ક્યારેક વિચાર્યુ જ નહીં હશે. જો તમારે જાણવું હોય તો અમે તમને તેના વિશે જણાવીએ છીએ.
ભારતનું છેલ્લું ગામ ઉત્તરાખંડમાં એવી જગ્યા પર છે, જ્યાં તમે ગમે ત્યારે ફરવા જઈ શકો છો. જ્યારે પણ તમે બદ્રીનાથ ભગવાનના દર્શન કરવા જાઓ છો, તમારે ત્યાંથી 3 કિલોમીટરથી વધુ દૂર જવું પડશે. માના ગામ બદ્રીનાથથી ત્રણ કિલોમીટરની ઉંચાઈ પર આવેલું છે. માના ગામ ભારતનું છેલ્લું ગામ છે. કહેવાય છે કે આ ગામનો સંબંધ મહાભારત કાળ સાથે પણ જોડાયેલો છે. આવો તમને જણાવીએ ભારતના છેલ્લા ગામ સાથે જોડાયેલી ખાસ વાતો.
આ ગામમાંથી પાંડવો સ્વર્ગમાં ગયા હતા
એવું માનવામાં આવે છે કે પાંડવોએ સ્વર્ગમાં જવા માટે આ રસ્તો પસંદ કર્યો હતો. જ્યારે પાંડવો સ્વર્ગમાં જવા માના ગામમાં પહોંચ્યા ત્યારે પાંડવોએ અહીં વહેતી સરસ્વતી નદીમાંથી રસ્તો શોધ્યો. રસ્તો ન મળતાં ભીમે બે મોટા ખડકો ઉપાડ્યા અને નદી પર મૂકી દીધા અને પુલ બનાવ્યો. આ પુલ દ્વારા તે નદી પાર કરીને આગળ વધ્યો. આજે પણ તે જગ્યાએ સરસ્વતી નદી વહે છે, જે આગળ અલકનંદામાં જોડાય છે. આજે પણ તે ખડકોનો પુલ નદી પર છે. આ પુલ ‘ભીમપુલ’ તરીકે ઓળખાય છે.
આ ગામની વસ્તી આટલી છે
આ ગામમાં લગભગ 60 ઘર છે અને અહીં 400 લોકોની વસ્તી રહે છે. મોટાભાગના ઘરો લાકડાના બનેલા છે. છત પથ્થરની પેનલની છે. કહેવાય છે કે આ મકાનો ધરતીકંપના આંચકા સહેલાઈથી સહન કરી લે છે. આ ઘરોમાં લોકો ઉપરના માળે અને નીચે તેમના પ્રાણીઓ રહે છે. ગામમાં ઘણી એવી જડીબુટ્ટીઓ છે, જે સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. આ બધા સિવાય અહીં ગણેશ ગુફા, વ્યાસ ગુફા પણ જોવા જેવી છે. કહેવાય છે કે આ ગુફામાં બેસીને ગણપતિએ મહાભારત લખી હતી.
ભારતની છેલ્લી દુકાન પણ છે અહીંયા
માના ગામમાં ભારતની છેલ્લી દુકાન પણ જોવા મળશે. આ દુકાન પર મોટા અક્ષરે લખ્યુ છે કે, હિંદુસ્તાનની છેલ્લી દુકાન. આ એક ચાની દુકાન છે. તમે તેની પણ મુલાકાત લઈ શકો છો.