એન્ડ્રોઇડ ફોન પર માલવેરના જોખમના સમાચાર દરરોજ આવતા રહે છે અને હવે આ દરમિયાન આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખરેખર મેટાએ એન્ડ્રોઇડ ફોન અને ટેબલેટ યુઝર્સ માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. એવું કહેવામાં આવ્યું છે કે એક નવા પ્રકારનો ખતરનાક માલવેર મળી આવ્યો છે, જે વોટ્સએપ અને યુટ્યુબ જેવી લોકપ્રિય એપ્સમાં છુપાયેલો છે. મેટાએ તેના ત્રિમાસિક એડવર્સારિયર થ્રેડ રિપોર્ટ 2022માં Dracarys માલવેરનો ઉલ્લેખ કર્યો છે, જે પોપ્યુલર એપ્સના ક્લોન વર્ઝનમાં છુપાયેલા રહે છે.
તાજેતરના અહેવાલમાં ખુલાસો થયો છે કે ડ્રાકેરિસ માલવેરનું નામ ગેમ ઓફ થ્રોન્સ બેટલ ક્રાયના ડ્રેગનના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે APT હેકિંગ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવે છે. જણાવવામાં આવ્યું છે કે આ હેકિંગ ગ્રુપ યુકે, ન્યુઝીલેન્ડ, ભારત અને પાકિસ્તાનના યુઝર્સ પર હુમલો કરી રહ્યું છે.આ માલવેર એન્ડ્રોઇડ ફોનમાં હાજર એક્સેસિબિલિટી ફીચરનો ઉપયોગ કરી રહ્યું છે, જેથી નકલી એપને આપમેળે પરવાનગી મળી જાય.
આ એક ખતરનાક માલવેર છે જે યુઝર્સની અંગત માહિતી તેમજ કોલ ડિટેઈલ, કોન્ટેક્ટ ડિટેલ્સ, એસએમએસ ટેક્સ્ટ્સ, જિયો લોકેશન અને યુઝર્સની ડિવાઈસ ડિટેલ્સ મેળવવામાં સક્ષમ છે. આટલું જ નહીં, આ માલવેર ફોનમાંથી ગુપ્ત રીતે ફોટો ક્લિક કરી શકે છે, અને માઈક્રોફોનનો ઉપયોગ કરી શકે છે તેમજ યુઝરની જાણ વગર એપ્સ ઈન્સ્ટોલ કરી શકે છે.
આવા જોખમથી પોતાને બચાવવા માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. વોટ્સએપ, યુટ્યુબ, ટેલિગ્રામ જેવી એપ્સની બિનસત્તાવાર અથવા નકલી એપ્સ ક્યારેય ડાઉનલોડ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત, થર્ડ પાર્ટી એપ કે વેબસાઇટ પર પણ માલવેરનો ખતરો રહે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે એન્ડ્રોઇડ યુઝર્સે ગૂગલ પ્લે સ્ટોર પરથી જ ઓફિશિયલ એપ્સ ડાઉનલોડ કરવી જોઈએ.