આજે ખોડધામ ટ્રસ્ટમાં નવા 40થી વધુ સભ્યો ટ્રસ્ટી તરીકે જોડાયા છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલની પણ ટ્રસ્ટી તરીકે વરણી થઈ છે. મહત્ત્વનું છે કે, આ પહેલાં ખોડલધામના ટ્રસ્ટીની બેઠક મળી હતી.
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010ના રોજ થઈ હતી. લેઉવા પાટીદાર સમાજનું સંગઠન વધુ મજબૂત થાય અને આ સંગઠન થકી સર્વ સમાજનો સર્વાંગી ઉત્કર્ષ થાય, એકની શક્તિ અન્યને પણ કામ લાગે અને રાષ્ટ્ર કલ્યાણની ભાવના ઉજાગર થાય તે હેતુથી મા ખોડલની ધર્મ ધ્વજા ફરકાવવામાં આવી અને માતાજીના ઐતિહાસિક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. શ્રી ખોડલધામ કાગવડ ખાતે માતાજીના સાનિધ્યમાં ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક પ્રવૃત્તિની સાથોસાથ જનજાગૃતિ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને રમત-ગમત, જ્ઞાતિ વિકાસ માટેનો અવિરત સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.
17 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી, 2017 સુધી, ખોડલધામ મંદિરના પાંચ દિવસ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ઉજવવામાં આવ્યો હતો. ખોડલધામ મંદિરમાં મા ખોડલ સહિત 21 દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવી હતી.. 17 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી, 2017 સુધીમાં, આ પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 75 લાખથી વધુ ભક્તો ઉમટ્યા હતા. 1008 કુંડ હવનમાં, 6048 યજમાનો બેઠાં હતા જેની નોંધ એશિયા બુક અને ઈન્ડિયા બુકમાં ઓફ રેકોર્ડમાં કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે લેઉવા પટેલ સમાજના 5,09,261 લોકોએ સમૂહ રાષ્ટ્રગાન ગાઇને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ખોડલધામ રથ પરિભ્રમણને પણ એશિયા બુક અને ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું હતું. રાજકોટથી ખોડલધામ સુધીની શોભાયાત્રા યોજાઈ હતી તેને પણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.