અમદાવાદની ગોદરેજ ગાર્ડન સિટી (Godrej Garden City)માં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા હતા, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જોકે આ બનાવમાં નવી વિગત સામે આવે છે. પ્રાથમિક વિગત અનુસાર પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આગ લગાવી હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ ગોદરેજ સિટીના વી બ્લોકમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગી હોવાની જાણ થતાંજ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગની છથી વધુ ગાડીઓ પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એક કલાકની ભારે જહેમતબાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આગની ઘટનાની વચ્ચે એવી પ્રાથમિક વિગતો સામે આવી છેકે, પતિ અને પત્ની વચ્ચે ઝગડો ચાલી રહ્યો હતો. ઝગડા દરમિયાન ઉશ્કેરાઇ ગયેલા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિ ગભરાઈ ગયો હતો અને હત્યાના ગુનાને છૂપાવવા માટે ઘરમાં આગ લગાવી દીધી હતી. આગની ઘટનામાં પતિ પણ ગંભીર રીતે દાઝતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હત્યાની પ્રારંભિક વિગતો સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.