ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસના પગલે આગ્રા-લખનૌ એક્સપ્રેસ હાઇવે પણ અકસ્માતની ઘટના બની છે. રાજકોટ થી ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જઇ રહેલી સ્લીપર બસ ડીસીએમ સાથે અથડાતા બસમાં સવાર 4 મુસાફરોના મોત નીપજ્યાં છે જ્યારે 10 જેટલા મુસાફરોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં હાઇવે ઓથોરિટી અને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, આગ્રા-લખનૌ એક્સપ્રેસ હાઇવે પર આ દુર્ઘટના વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી. રાજકોટથી એક સ્લીપર બસ ઉન્નાવ પાસે પહોંચી ત્યારે ડીસીએમમાં ઘૂસી ગઇ હતી.
એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ડ્રાઇવરને ઝોકું આવી ગયું હતું જેના કારણે આ અકસ્માત થયો છે. અકસ્માત થયાની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને તુરંત સારવાર મળે એ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહો પીએમ અર્થે મોકલાયા હતા. અકસ્માતના પગલે થોડો સમય માટે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.