ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવવા છતાં નિરાશાજનક પ્રદર્શન કરનારી આમ આદમી પાર્ટીએ (Gujarat AAP) પોતાના પ્રદેશ માળખામાં ધરખમ ફેરફાર કર્યાં છે. જેમાં આપના પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઈટાલિયાના સ્થાને ઈસુદાન ગઢવીની વરણી કરવામાં આવી છે.
અલ્પેશ કથીરિયાને સુરત ઝોનના કાર્યકારી અધ્યક્ષ, જ્યારે ડેડિયાપાડાથી ચૂંટાયેલા આપ ધારાસભ્ય ચૈતર વસાવાને દક્ષિણ ગુજરાત ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત રમેશ પટેલને ઉત્તર ગુજરાત ઝોન, જગમલ વાળાને સૌરાષ્ટ્ર ઝોન તેમજ કૈલાશ ગઢવીને કચ્છ ઝોનના વર્કિંગ પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યાં છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરતની કતારગામ બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડેલા ગોપાલ ઈટાલિયાનો ભાજપના વિનુ મોરડિયા સામે પરાજય થયો હતો. જે બાદ હવે ગોપાલ ઈટાલિયાની જગ્યાએ ગુજરાતમાં આપના પ્રદેશ પ્રમુખ તરીકે ઈસુદાન ગઢવીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ગોપાલ ઈટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવવા સાથે મહારાષ્ટ્રમાં પાર્ટીના સહ-પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટ્રના પ્રભારી બનાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોપાલ ઈટાલિયાને AAPના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. આમ ગોપાલ ઈટાલિયાને ગુજરાતની બહાર નેશનલ લેવલે ભૂમિકા સોંપવામાં આવી છે.