સાબરતમી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદીઓ માટે ફ્લાવર શો ખુલ્લો મુકાયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ફ્લાવર શો – 2023’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોના ઉદ્ધાટન બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચન કર્યું અને કહ્યું કે ફ્લાવર શો એક કલાક પેહલા શરૂ કરવામાં આવે. ટિકિટનો દર 30 ની જગ્યાએ 20 રૂપિયા કરવા પણ સૂચન કર્યું છે. આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે સીએમની તમામ સૂચનાનું પાલન કરાશે. સીએમના સૂચન બાદ ટિકિટના દર 20 રૂપિયા કરી દેવામાં આવ્યાં છે. કોવિડના તમામ નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
મહત્વનું છે કે આ વર્ષે G20 સમિટની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને 31 ડીસેમ્બર, 2022 થી 12 જાન્યુઆરી 2023 દરમિયાન સાબરમતી રીવર ફ્રન્ટ, ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફ્લાવર ગાર્ડન ખાતે ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શો દરમિયાન આવનાર વ્યક્તિ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.
ફલાવર શોમાં વિવિધ આકર્ષણ
ફ્લાવર શોમાં ઉભા કરવામાં આવેલા ખાસ આકર્ષણોની વાત કરીએ તો ઓલમ્પિકને લગતી જુદી જુદી રમતોના સ્કલ્પચર, G-20 થીમ આધારીત સ્કલ્પચર અને મેસેજ આપતા લખાણો, આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારીત સ્કલ્પચર, 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે ફુલોમાંથી બનાવેલ આકર્ષક પ્રવેશ દ્વાર તથા સ્કાય ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યુ છે.