31st ડિસેમ્બરે લોકો નવા વર્ષને આવકારવા ડીજેના તાલે ઝૂમી અને કેક કટીંગ કરી સેલિબ્રેટ કરતા હોય છે. ત્યારે સેલિબ્રેશનને લઈને રાજકોટવાસીઓનું આરોગ્ય ન જોખમાય તેના માટે RMCના ફૂડ વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણીને લઇને રાજકોટમાં આરોગ્ય વિભાગ સક્રિય થઇ ગયુ છે. આરોગ્ય વિભાગની ફૂડ શાખાએ છેલ્લા અઠવાડિયામાં 30થી વધુ કેક શોપમાં ચકાસણી હાથ ધરી છે. સોરઠીયા વાડી સર્કલ ખાતે રામેશ્વર બેકરીમાં તપાસ હાથ ધરતા અનેક અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી છે. આરોગ્ય વિભાગની તપાસમાં કોલ્ડ્રિંક્સ,પાઉ સહિત અનેક અખાદ્ય ચીજવસ્તુઓ મળતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. હાલ તો સમગ્ર મામલે આરોગ્ય વિભાગે દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી જેટલી બેકરીમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. RMCના ફુડ વિભાગ દ્વારા આજે 32 જેટલી બેકરી અને કેક શોપમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 68 કિલો બેકરી પ્રોડક્ટ્સ અને નમકીનનો અખાદ્ય જથ્થો અને 38 લીટર એક્સપાયરી ડેટ વાળા કોલ્ડ્રીંકસના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
જેમાંથી સોરઠીયા વાડી સર્કલ પાસે આવેલી રામેશ્વર બેકરીમાંથી અખાદ્ય 50 કિલો બેકરી પ્રોડક્ટ્સ તથા નમકીન અને અને 18 લીટર એક્સપાયરી ડેટ વાળા કોલ્ડ્રિંકસ મળી આવ્યા હતા. નમકીનમાં અને પેસ્ટ્રીમાં કોઈપણ પ્રકારની મેન્યુફેક્ચરિંગ ડિટેલ્સ અને એક્સપાયરી ડેટનો પણ કોઈ ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો..
‘કેક એન્ડ જોય’ બેકરીની ડિલિવરી વાનમાં ચેકીંગ કરતા અખાદ્ય કેક, પેસ્ટ્રી અને બેકરી પ્રોડક્ટ્સનો 18 કિલો જથ્થો મળી આવ્યો હતો. કોઠારિયા રોડ પર આવેલી સિલ્વર બેકરીમાંથી 20 લીટર એક્સપાયરી ડેટ વાળા કોલ્ડ્રિંકસ મળી આવ્યા જેનો નાશ કરવામાં આવ્યો. આ ત્રણેય એકમો વિરૃદ્ધ દંડ અને નોટિસ આપવાની કાર્યવાહી કરાઇ છે. આ સિવાય 14 એકમોને સ્વચ્છતા અને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા ફૂડ સ્ટાન્ડર્ડ હેઠળ બેકરી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ જુદા જુદા ખાદ્ય વસ્તુઓના નમૂના પણ લેવામાં આવ્યા છે. ત્યારે આ પ્રકારના અખાદ્ય વસ્તુઓથી સ્કિન ઇન્ફેક્શન,એલર્જી તેમજ ઉધરસ સહિતની તકલીફ પડી શકે છે.