ભારતીય વાયુસેનાએ ગુરુવારે બ્રહ્મોસ એર લોંચ મિસાઈલના અપગ્રેડેડ વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું. તે 400 કિમીની રેન્જમાં કોઈપણ લક્ષ્યને હિટ કરવામાં સક્ષમ છે. સંરક્ષણ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે મિસાઇલનું પરીક્ષણ સુખોઇ Su-30 MKI ફાઇટર એરક્રાફ્ટથી કરવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે આ મિસાઈલને Su-30 MKI ફાઈટર એરક્રાફ્ટથી છોડવામાં આવી હતી અને તેણે બંગાળની ખાડીમાં ચોક્કસ નિશાન પર નિશાન સાધ્યું હતું. અધિકારીએ કહ્યું કે તે મિસાઈલના એર-લોન્ચ વર્ઝનના એન્ટી-શિપ વર્ઝનનું પરીક્ષણ હતું.
વ્યૂહાત્મક રીતે વાયુદળને મજબૂત બનાવ્યું
આ પરીક્ષણ સાથે, IAF એ Su-30 MKI ફાઇટર એરક્રાફ્ટથી લાંબી રેન્જમાં જમીન અથવા દરિયાઈ લક્ષ્યો સામે ચોકસાઇથી હુમલો કરવામાં નોંધપાત્ર ક્ષમતા વૃદ્ધિ હાંસલ કરી છે, એમ સરકારી નિવેદનમાં જણાવાયું છે. સરકારના જણાવ્યા અનુસાર, SU-30MKI એરક્રાફ્ટના ઉચ્ચ પ્રદર્શન સાથે મિસાઈલની લાંબા અંતરની ક્ષમતા વાયુસેનાને વ્યૂહાત્મક રીતે મજબૂત બનાવશે અને ભવિષ્યના યુદ્ધની સ્થિતિમાં દુશ્મન દેશ પર હુમલો કરવામાં વધુ અસરકારક બનાવશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વાયુસેના, ભારતીય નૌકાદળ, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), BAPL અને HALના સમર્પિત પ્રયાસોએ આ સિદ્ધિ હાંસલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.