રાજકોટમાં જીએસટીની ટીમ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા રાજકોટના બોનાન્ઝા બ્યૂટી સલૂનની સાત જેટલી બ્રાન્ચ પર દરોડા પાડવામાં આવ્યા છે. જીએસટીની ટીમ દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં 43 લાખ જેટલી કરચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બ્યૂટી સલૂનમાં દરોડાથી અન્ય બ્યૂટી સલૂન સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી અનુસાર, જીએસટીની ટીમ દ્વારા કર ચોરી કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. રાજકોટમાં બોનાન્ઝા નામના એક બ્યૂટી સલૂનમાં જીએસટીની પ્રિવેન્ટિવ વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ બ્યૂટી સલૂનની સાત જેટલી બ્રાન્ચમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ધ્યાનમાં આવ્યું છેકે, સલૂન દ્વારા લોકો પાસેથી જીએસટી વસૂલ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સરકારને તે ચૂકવવામાં આવી રહ્યું નથી. જીએસટી વિભાગની ટીમે દરોડા પાડીને આ સલૂન દ્વારા 43 લાખ જેટલી કર ચોરી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ દરી છે.
જીએસટી વિભાગની ટીમ દ્વારા બોનાન્ઝા બ્યૂટી સલૂનની સાત બ્રાન્ચોમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છેકે, સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ કર ચોરી પણ બહાર આવી શકે છે. જીએસટીની ટીમ દ્વારા પ્રથમ વખત કોઇ બ્યૂટી સલૂનમાં આ પ્રકારના દરોડા પાડ્યા છે. આ બ્યૂટી સલૂનની યુનિવર્સિટી રોડ, કેકેવી ચોક, પેડક રોડ સહિતની બ્રાન્ચોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. જીએસટીની ટીમ દ્વારા દરોડા પાડીને તમામ દસ્તાવેજો એકઠા કરવામાં આવી રહ્યાં છે. તમામ દસ્તાવેજો એકઠા કર્યા બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. અને કેટલી ગેરરીતિ આચરવામાં આવી છે તે જાણી શકાશે.
નોંધનીય છેકે મંગળવારના રોજ મોરબીમાં પણ જીએસટી વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. મોરબીમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં 9 પેઢીને આવરી લેવામાં આવી હતી. જેમાંથી 5 જેટલા સિરામીક એકમો છે જ્યારે 4 જેટલી ટ્રેડિંગ પેઢીઓનો સમાવેશ છે. જીએસટીની ટીમને બાતમી મળી હતી કે બિલ વગર અને ઓછી કિંમતના બિલ બનાવીને કર ચોરી કરવામાં આવી રહી છે. જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટ અને અમદાવાદની ટીમ જોડાઈ હતી.