વિશ્વભરમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનારૂપી રાક્ષસથી લોકોને બચાવવા ગુજરાત સરકાર પણ સજ્જ બની છે. રાજ્યના અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. તમામ હોસ્પિટલમાં આરોગ્ય સંસાધનોની ચકાસણી પણ કરવામાં આવી. જો કે હોસ્પિટલ દ્વારા તો આરોગ્ય સુવિધાઓની ચકાસણી કરવામાં આવી રહી છે, પણ બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રસીનો પુરતો જથ્થો જ ન હોવાની માહિતી છે. કોરોના સામે સુરક્ષા આપનાર રસીનો જથ્થો જ ન હોવો એ વિષયે ચિંતા જગાવી છે.
અમદાવાદમાં એક તરફ કોરોના સામે તંત્રને સજ્જ કરાઇ રહ્યું છે. તો બીજી તરફ AMC પાસે રસીનો સ્ટોક ખૂટી પડ્યો છે. સંભવિત સંકટ સામે સોમવારે શહેરના 82 સેન્ટરો પર માત્ર 910 લોકોને જ રસી આપવામાં આવી. તો 3,500 લોકોએ કોરોનાની રસી વિના જ પરત ફરવાનો વારો આવ્યો. ત્યારે રસીની અછત વચ્ચે AMCએ રાજ્ય સરકાર પાસે 1 લાખ ડોઝની માંગણી કરી છે.
મહત્વપૂર્ણ છે કે ગણ્યા ગાઠ્યા કેન્દ્રો પર જ રસીનો મર્યાદીત સ્ટોક છે. જ્યારે શહેરના અનેક ખાનગી સ્ટોર અને સરકારી આરોગ્ય કેન્દ્રો પર રસીનો જથ્થો ખૂટી પડ્યો છે. આરોગ્ય વિભાગના આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધી અમદાવાદમાં 106 ટકા લોકોએ પ્રથમ ડોઝ, 92 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે.
જ્યારે માત્ર 22 ટકા લોકોએ જ પ્રિકોશન ડોઝ લીધો છે. રસીના જથ્થાની અછત વચ્ચે રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ પંચાલે દાવો કર્યો કે, AMCએ રસીના જથ્થાનો ઓર્ડર આપી દીધો છે અને ટૂંક સમયમાં રસી ઉપલબ્ધ થઇ જશે. જગદીશ પંચાલનું માનવું છે કે રસી માટે ધસારો દર્શાવે છે કે લોકોમાં રસી માટે જાગૃતતા વધી રહી છે.