જસદણમાં આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અનેરું છે. બારેમાસ ઘેલા સોમનાથ મંદિરે ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે. ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેક્ટરે એક વિચિત્ર નિર્ણય લીધો છે. અહીં મહાદેવને જળ ચઢાવવા 351 રુપિયાની પહોંચ ફડાવવી પડશે. આ નિર્ણયનો ભાવિકભક્તો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, અને જો આમ ન થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ત્યારે સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં નાયબ કલેકટર, જસદણે જણાવ્યું હતું કે, જળાભિષેક માટે જે ચાર્જ રાખવામાં આવ્યો છે તે સૌ કોઈને પોસાઈ શકે તેમ છે. વેરાવળ સોમનાથ ખાતે પણ પૂજન વિધિ કરાવવા બાબતે અગાઉથી જ ચાર્જ લેવામાં આવી રહ્યો છે. તેમજ હાલ ઘેલા સોમનાથ ખાતે જે ચાર્જ ઉઘરાવવાનું શરૂ કર્યું છે. તેનાથી મંદિરના વિકાસ કાર્યમાં થનાર ખર્ચમાં મદદ થઈ શકશે. તાજેતરમાં જ મંદિરના આવેલા ગાર્ડનમાં લોન નખાવામાં આવી છે. તેમજ આ સરકાર સંચાલિત મંદિર છે. જેથી સમયાંતરે લોકોને મંદિરે દર્શન કરવા આવનાર ભક્તોને સુવિધાઓ પૂરી પાડવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવતા હોય છે.
ગરીબ ભક્તો કેવી રીતે અભિષેક કરી શકશે?
ટ્રસ્ટ દ્વારા લેવાયલ નિર્ણયનો ભારે વિરોધ થઈ રહ્યો છે. લોકો કહીં રહ્યા છે કે જો આમ જ ચાલતુ રહેશે તો ધર્મનો નાશ થઈ જશે. આ મનસ્વી નિર્ણય છે જે સાવ ખોટો છે. કોઈ ગરીબ વ્યક્તિ આવશે, અભિષેક માટે ચાર્જ જોઈને તે દર્શન કરીને જ ઘરે પાછો ફરશે. આ હિન્દુ ધર્મ માટે સારી ઘટના ન કહીં શકાય. આ નિર્ણય તદ્દન ખોટો છે.
ત્યારે નાયબ કલેકટરના નિર્ણયને પગલે હાલ લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે સમગ્ર મામલે આ બાબતે રાજ્યના મંત્રી અને જસદણ વિછીયામાંથી લોકોનું જન પ્રતિનિધિત્વ કરનાર કુંવરજી બાવળીયા કયા પ્રકારનું સ્ટેન્ડ લે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. તેમજ 351 રૂપિયાનો નિર્ણય આગામી દિવસોમાં બદલાય છે કે કેમ તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે.