જીવલેણ કોરોનાના કારણે બે વર્ષ સુધી મોકૂફ રહેલ અમદાવાદના સૌથી મોટા ઉત્સવ એવા કાંકરિયા કાર્નિવલ-2022ની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી શહેરના કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી 25 ડિસેમ્બરે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલ ખુલ્લો મૂકવામાં આવશે. આ વખતે કાંકરિયા કાર્નિવલની થીમ “આઝાદી કા અમૃત મહોત્સવ” આધારિત રાખવામાં આવી છે. 25 થી 31 ડિસેમ્બર એમ 7 દિવસ સુધી ચાલનારા આ કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
કાંકરિયા કાર્નિવલના અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરે “એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ પર દેશના 15 વિવિધ રાજ્યોના કલાકારો પરફોર્મ કરશે. આ કાર્નિવલ દરમિયાન કાંકરિયા લેક ફ્રન્ટમાં પુષ્પકુંજ, બાલ વાટિકા અને વ્યાયામ શાળાના ગેટ એમ 3 જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવશે. જ્યાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. જેમાં સાંઈરામ દવે, આદિત્ય ગઢવી અને કાજલ મહેરિયા સહિતના કલાકારો પરફોર્મ કરશે.
કાંકરિયા કાર્નિવલમાં આવતા લોકો ફૂડની મજા માણી શકે, તે માટે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય જાદૂગર શૉ, હોર્સ શૉ, ડોગ શૉ તેમજ પપેટ શૉ પણ યોજવામાં આવશે. જો કે આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં આતશબાજી નહીં યોજાય.
જણાવી દઈએ કે, દર વર્ષે કાંકરિયા કાર્નિવલમાં 20 લાખથી વધુ લોકો આવતા હોય છે. જો કે કોરોના કાળના બે વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન થઈ રહ્યું હોવાથી પ્રતિદિન અઢી લાખ લોકો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કાર્નિવલમાં મફત પ્રવેશ આપવામાં આવી રહ્યો હોવાથી 7 દિવસ દરમિયાન અગાઉ કરતાં વધુ લોકો આવવાની સંભાવના છે.