ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બાદ નવી સરકારની રચના 12 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યા બાદ હવે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી છે. 156 બેઠક સાથે ભાજપનો વિજય થયા બાદ વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોને મુકવામાં આવશે તે અંગે અનેક નામો ચર્ચામાં હતા. જોકે અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની વરણી કરવામાં આવી છે.
અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ માટે ઉત્તર-મધ્ય ગુજરાતને પ્રાધાન્ય
રાજ્યની નવી સરકારના મંત્રી મંડળમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી વધુ ધારાસભ્યોને સમાવવામાં આવ્યા છે. જ્યારે વિધાનસભાના મહત્વના બે હોદ્દા માટે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર પસદંગી ઉતારવામાં આવી છે. અધ્યક્ષ પદ માટે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી છે. તેઓ બનાસકાંઠાના રાજકારણમાં સૌથી મોટું નામ છે અને થરાદ બેઠક પરથી વિજયી થયા છે. જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની વરણી કરાઈ છે. તેઓ પંચમહાલ જિલ્લામાંથી આવે છે અને શહેરા બેઠક પરથી વિજયી થયા છે.
આ નામો હતા વિધાનસભાના અધ્યક્ષ પદની રેસમાં
વિધાનસભાના અધ્યક્ષ પદ માટે શંકર ચૌધરી ઉપરાંત રમણલાલ વોરા અને ગણપત વસાવાનું નામ પણ ચર્ચામાં હતું. આ બન્ને નેતાઓ પહેલા વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. જોકે શંકર ચૌધરીના નામ પર ભાજપ દ્વારા મ્હોર મારવામાં આવી છે.