ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યાં છે. આમાં મોરબી બેઠકના પરિણામ પર આખા ગુજરાતની નજર રહી હતી. કારણ કે ચૂંટણીના એક મહિના પહેલા જ મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં 135 થી વધુ લોકોના મોત થયા હતા અને ભાજપ શાસિત નગરપાલિકા પર આકરા પ્રહારો થયા હતા. આ જોતા એવું લાગી રહ્યું હતું કે મોરબીમાં ભાજપ વિરોધી મતદાન થશે. પણ આનાથી તદ્દન વિપરીત પરિણામ આવ્યું છે અને મોરબીમાં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયા જીતી ગયા છે. કાંતિ અમૃતિયા છઠ્ઠી વાર મોરબીના ધારાસભ્ય બન્યા છે. આગાઉ 1995થી 2012 સુધી 5 ટર્મ સુધી કાંતિ અમૃતિયા મોરબીના ધારાસભ્ય રહ્યાં હતા.
મોરબી દુર્ઘટના સમયે કાંતિ અમૃતિયાનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ દુર્ઘટના બાદ તરત જ બચાવ કામગીરીમાં લાગી ગયા હતા અને નદીના પાણીમાં કૂદી ગયા હતા. સમાચાર અહેવાલોમાં જયારે 10-12ના મોત સામે આવ્યા હતા ત્યારે આ વિડીયોમાં સૌથી પહેલા કાંતિ અમૃતિયાએ જ દાવો કર્યો હતો કે 60થી વધુ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. કાંતિ અમૃતિયાના આ વિડીયો બાદ જ સમગ્ર ગુજરાતમાં મોરબી ઘટના કેટલી મોટી અને ગંભીર છે તેની લોકોને જાણ થઇ હતી.
1962થી લઈને 2017 સુધી મોરબી બેઠકમાં (morbi assembly constituency)13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપે 6 વખત અને કૉંગ્રેસે 5 વખત જીત મેળવી છે. 1967ની વિધાનસભા ચૂંટણીમાં ‘સ્વતંત્ર પાર્ટી’ની ટિકિટ ઉપર વી. વી. મહેતા આ બેઠકથી ચૂંટાઈને આવ્યા હતા. 1990માં અપક્ષ ઉમેદવાર બાબુભાઈ પટેલ 14208 મતોથી ચૂંટણી જીત્યા હતા.
મોરબી માળિયા વિધાનસભા બેઠક છેલ્લા 25 વર્ષથી ભાજપનો ગઢ હતી. ભાજપના ઉમેદવાર કાન્તીભાઈ અમૃતિયા 5 ટર્મથી સતત ચૂંટાઈ આવતા હતા. જોકે પાટીદાર આંદોલન સહિતના કારણોને લીધે વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ બેઠક ગુમાવી હતી અને કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજયી બન્યા હતા. જોકે અઢી વર્ષ બાદ બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા અને ભાજપના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણી લડી હતી.
રાજ્યસભાની ચૂંટણી સમયે બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જેથી ખાલી પડેલી આ બેઠક પર વર્ષ 2020માં પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી માટે ભાજપે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે જયંતિ જયરાજને ટિકિટ આપી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થઇ હતી. મોરબી બેઠકમાં 2002થી 2012 સુધી ભાજપની એક હથ્થું સત્તા હતી, જ્યારે 2017માં કોંગ્રેસ તરફથી બ્રિજેશ મેરજાએ ચૂંટણી લડી હતી અને ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને હરાવ્યા હતા. ત્યારબાદ 2020માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપતા પેટાચૂંટણી યોજાઇ હતી.
મોરબી બેઠક પર પાટીદાર મતદારોનું વર્ચસ્વ રહ્યું છે. આ બેઠક પર નોંધાયેલા મતદાર 2, 86 686 મતદારોમાંથી લગભગ 25 ટકા મતદારો એટલે કે 78, 406 પાટીદાર સમાજના છે .આ મતદારો ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી મતદાન જોવા મળ્યું છે ભૂતકાળમાં 2017 માં પાટીદાર અનામત આંદોલન વખતે મોટાભાગના મતદારો કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું. આ પહેલા આ મતદારો ભાજપ તરફથી જોવા મળ્યા હતા તો આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન પાટીદાર મતદારો પોતાના તરફ વળે તે માટે ત્રણ પાર્ટીએ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના બ્રિજેશ મેરજાએ ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાને હાર અપાવી હતી. જ્યારે વર્ષ 2012ની ચૂંણીમાં ભાજપના કાંતિ અમૃતિયાએ કોંગ્રેસના બ્રિજેશ મેરજાને હાર અપાવી હતી.