મ્યૂનિસિપલ કોર્પોરેશન ઑફ દિલ્હી (MCD)માં આમ આદમી પાર્ટીએ બહુમત માટેનો 126 બેઠકનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. છેલ્લા 15 વર્ષથી દિલ્હી કોર્પોરેશનમાં ભાજપનું શાસન હતુ, જેને આમ આદમી પાર્ટીએ છીનવી લીધુ છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા ટ્વીટ કરીને લખ્યું છે કે, દિલ્હી MCDમાં આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરવા માટે દિલ્હીની જનતાનો દિલથી આભાર. વિશ્વની સૌથી મોટી અને સૌથી નેગેટિવ પાર્ટીને હરાવીને દિલ્હીની જનતાએ કટ્ટર ઈમાનદાર અને કામ કરનારા અરવિંદ કેજરીવાલને જીતાડ્યાં છે. અમારા માટે આ માત્ર જીત નહીં, મોટી જવાબદારી છે.
બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ પહેલા દિલ્હીથી કોંગ્રેસની 15 વર્ષની સત્તાને ઉખેડી નાંખી હતી. હવે MCDમાંથી 15 વર્ષથી ભાજપની સત્તાને ઉખેડી નાંખી છે. જેનો અર્થ એ છે કે, લોકો નફરતની રાજનીતિને પસંદ નથી કરતા. લોકો વીજળી, સ્વચ્છતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વોટ આપે છે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. દિલ્હી ચૂંટણી પંચે મત ગણતરી માટે દેશની રાજધાનીમાં કુલ 42 મતગણતરી કેન્દ્ર બનાવ્યાં છે. આ વખતે દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર, સ્વચ્છતા, કચરાના ગઢ સહિતના મુદ્દા છવાયેલા રહ્યાં હતા.
ચૂંટણીના પરિણામોની પળેપળની અપડેટ્સ.
અત્યાર સુધીના પરિણામો પર નજર નાંખીએ તો, અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ 133 બેઠકો પર જીત મેળવી લીધી છે, જ્યારે બીજા નંબર પર 101 બેઠકો સાથે ભાજપ છે. જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો, કોંગ્રેસ માત્ર 6 બેઠકો પર જ જીત મેળવી શકી છે. આ સિવાય 3 બેઠકો અપક્ષના ફાળે ગઈ છે.
લાજપતનગરથી ભાજપ ઉમેદવાર કુંવર અર્જુનપાલે 2828 મતથી જીત મેળવી છે.
રાજનગરથી ભાજપ ઉમેદવાર અરુણા રાવતે આપના પૂનમ ભારદ્વાજને 498 મતે હરાવ્યા
આ સિવાય અન્ય 127 બેઠકો પર આપ તો ભાજપ 108 બેઠક પર આગળ ચાલી રહી છે.
પ્રથામિક ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટીને બહુમત મળતી જોઈ શકાય છે. જેને જોઈને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે નેતાઓ ઉત્સાહિત છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યાં છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ દાવો કર્યો છે કે, આમ આદમી પાર્ટી MCD ચૂંટણીમાં જીતવા જઈ રહી છે. જનતા ફરીથી એક વખત ભાજપના જૂઠ્ઠાણા પર કેજરીવાલની કટ્ટર ઈમાનદારી અને સુશાસનની રાજનીતિને પસંદ કરવા જઈ રહી છે.
બીજી તરફ MCD ચૂંટણી માટે ભાજપે આશા વ્યક્ત કરી છે કે, ચૂંટણીના પરિણામો તેમની તરફેણમાં આવશે. દિલ્હી ભાજપના સચિવ દિનેશ પ્રતાપસિંહે જણાવ્યું કે, અમને આશા છે કે, ચૂંટણીના પરિણામ એક્ઝિટ પોલને ખોટા સાબિત કરશે અને ભાજપ MCDમાં પુન: સત્તામાં આવશે. આમ છતાં જે પણ પરિણામ આવશે, તે અમને મંજૂર હશે.
જણાવી દઈએ કે, એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને બહુમત મળતો જોવા મળ્યો હતો. જેમાં આજતક એક્સિસ માય ઈન્ડિયાએ આપને 149 થી 171 બેઠક, ભાજપને 69-91 બેઠકો અને કોંગ્રેસને 3 થી 7 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ટાઈમ્સ નાઉ-ETGના એક્ઝિટ પોલમાં આપને 146 થી 156, ભાજપને 84-94 તેમજ કોંગ્રેસના ફાળે 6-10 બેઠકો મળી રહી છે.
એક્ઝિટ પોલમાં જીત જોઈને આમ આદમી પાર્ટી ખુશ છે અને પાર્ટીએ નવું સુત્ર આપ્યું છે. જેમાં અચ્છે હોગે 5 સાલ, MCDમેં કેજરીવાલ. પાર્ટીના કાર્યાલયમાં પણ આ સુત્રો લખેલા બેનર જોવા મળી રહ્યાં છે.