ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Vidhan Sabha Election 2022)ના પ્રથમ તબક્કાનું મતદાન આજે સવારે 8 વાગ્યાથી શરુ થઈ ગયુ છે. તેવામાં રાજકોટમાં માલધારી સમાજના અગ્રણી તંત્રનો વિરોધ કરવા ગાય અને વાછરડાંને લઈને મતદાન પહોંચ્યા છે.
માલધારી સમાજના અગ્રણી રણજીત મૂંધવાએ કહ્યું કે લમ્પી વાયરસના કારણે જ્યારે 5.50 લાખ ગાય માતાઓના મૃત્યુ થાય છે, ત્યારે એક પણ ઈન્જેક્શન આપ્યું નથી. જે ઈન્જેક્શન આપ્યા તેમાં માત્ર પાણી નાંખીને આપ્યા છે. આ માટે માલધારી સમાજનો પોશાક પહેરી ગાય સાથે મતદાન મથકે જઈ અમે વિરોધ નોંધાવીએ છીએ.
વધુ એક માલધારી સમાજના અગ્રણીએ જણાવ્યું હતુ કે લમ્પી વાયરસમાં સરકાર નિષ્ફળ રહેતા ગાય માતાને આગળ કરીને લોકોને જાગૃત કરવા માગીએ છીએ કે તમે જે પણ મતદાન કરો તો ગાય માતાની સ્થિતિ જોઈને કરો.
કોંગ્રેસ પક્ષને સંપૂર્ણ સમર્થન આપીશું
વધુમાં રણજીત મૂંધવાએ કહ્યું કે માલધારી સમાજને સતત અન્યાય થઈ રહ્યો છે. ગાય માતાને પકડી મારી નાખે છે, LRD પરિક્ષામાં અમારા યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે. તેવામાં આજે માલધારી સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે અને કોંગ્રેસને સમર્થન આપશે.