આજે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન છે. 89 બેઠકો પર ઉમેદવારોના ભાવિ નક્કી કરવા માટે મતદાન મથકો પર મતદાતાઓની કતાર જોવા મળી રહી છે.
આજે સવારથી જ સુરત શહેરના અનેક મતદાન મથકો પર મતદારો વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. ત્યારે 168-ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારના ડીંડોલીના રામી પાર્ક ખાતે આવેલ સનરાઈઝ વિદ્યાલયના મતદાન મથકે પોતાના એક મહિનાના નવજાત શિશુ સાથે માતા તનુ મિશ્રા લોકશાહીના તહેવારમાં પોતાનું યોગદાન આપવા પહોંચી હતી.
મૂળ ઉત્તરપ્રદેશ અને વર્ષોથી સુરતના દેલાડવા ખાતે રહેતા 26 વર્ષીય તનુ સંતોષ મિશ્રાએ જણાવ્યું કે, જો તમે વિચારે મક્કમ અને શરીરે સક્ષમ હોવ તો કોઈ પણ અવરોધો નડતા નથી. મતદાન કરવું એ સૌની નૈતિક ફરજ છે. હું વહેલી સવારે મારી એક મહિનાની દીકરી વર્ષા મિશ્રા અને પરિવાર સાથે મતદાન મથકે પહોંચી ત્યારે હાજર લોકોએ આવકાર્યા હતા.
તેમણે વધુમાં કહ્યું કે, લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન આપતા ખુબ ઉત્સાહ અને ખુશીનો અનુભવ થયો હતો. તેમણે અન્ય મહિલાઓને પણ પોતાના મતનો અચૂક ઉપયોગ કરવા સંદેશ પાઠવ્યો હતો.